(એજન્સી) તા.ર૮
મુસ્લિમ બનીને ઉર્દૂ ભાષામાં ઉશ્કેરણી કરતા નિવેદનો પોસ્ટ કરવાના મામલે યુપી પોલીસે વિનીતકુમાર સિંહ નામના વિદ્યાર્થીની આગ્રામાંથી ધરપકડ કરી છે. વિદ્યાર્થી પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો પણ આરોપ છે. અહેવાલ મુજબ માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થી વિનીતકુમારે ફેસબુક પર મુસ્લિમ બનીને ઉર્દૂ ભાષામાં મુખ્યમંત્રી આદિત્યનાથ વિરૂદ્ધ અપમાનજનક પોસ્ટ કરી હતી. ત્યારબાદ આગ્રા પોલીસના સાયબર સેલ દ્વારા વિનીતકુમારની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાની જાણકારી થતાં એસપી અમિત પાઠકે આ મામલે વિનીતકુમાર પ્રતાપસિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો અને સાયબર સેલને તપાસનો આદેશ આપ્યો છે. અધિકારી અમિતકુમારે જણાવ્યું કે, વિનીત આગ્રાનો નિવાસી છે. તેણે મુખ્યમંત્રી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે ઉશ્કેરણીજનક હતી. વિનીતે ફેસબુક યુઝર્સ અને પોલીસને ગુમરાહ કરવા માટે ઉર્દૂ ભાષામાં લખેલ ફોટાનો ઉપયોગ કર્યો હતો. આ કોમેન્ટ પર સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ આ મામલે એસએસપીએ તપાસના આદેશ આપ્યા છે.
પોલીસે વિનીતનો ફોન જપ્ત કરી લીધો છે. જો કે બાકીના આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.