(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
ખ્યાતનામ પત્રકાર વિનોદ દુઆએ આરોપ લગાવ્યો છે કે, હાલ મુસ્લિમ મુક્ત ભારત બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. વિનોદ દુઆ શોમાં પત્રકારે કહ્યું કે, ભાજપ ખૂલ્લેઆમ કહે છે કે, તેનું લક્ષ્યાંક કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનો છે પણ ક્યારેય મુસ્લિમ મુક્ત ભારત બનાવવાનું કહેતો નથી. પરંતુ શાંત રીતે તે આ લક્ષ્યાંકને પૂરો કરવા તરફ ભાજપ આગળ વધે છે. પોતાના દાવાના કારણ દર્શાવતાં તેમણે સવાલ કર્યો કે, ભાજપે કેટલા મુસ્લિમોને ચૂંટણીમાં ટિકિટો આપી ? NRCની યાદ અપાવતાં તેમણે કહ્યું કે, તેમના દાવાનું આ બીજું કારણ છે. નાગરિક સુધારા બિલ સાથે NRCને જોડતાં દુઆએ દાવો કર્યો કે, મુસ્લિમોએ તેઓ ભારતના નાગરિક છે તેવું પુરવાર કરવું પડશે. તાજેતરમાં પસાર કરાયેલું બિલ ગેરકાયદે પ્રવૃત્તિ સુધારા બિલ ૨૦૧૯ અંગે દુઆએ કહ્યું કે, હવે સરકારે કોઇને પણ આતંકવાદી જાહેર કરી શકશે. શોમાં દુઆએ RTI કાયદામાં કરેલા સુધારાની પણ ભારોભાર ટીકા કરી હતી. મંગળવારે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે, આસામમાં NRC માટે જાહેર કરવા માટે એકઠા કરાયેલા ડેટાને આધાર કાર્ડની જેમ સુરક્ષિત રખાશે. NRCના રાજ્યના કોઓર્ડિનેટરને આપેલા આદેશમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડની જેમ સુરક્ષાની જાળવણી માટે NRC ડેટાને સુરક્ષિત રાખવામાં આવે. તે બાદ જ યાદીમાંથી બહાર કરવા કે સમાવેશ કરવા માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયાને ઉપલબ્ધ થઇ શકશે.