નવી દિલ્હી,તા.૧૦
ભારતીય ક્રિકેટ બોર્ડની વહીવટી સમિતિના વડા વિનોદ રાયે ગુરુવારે ટીવી શોમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પર બે વન ડેનો પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. જો કે આ મુદ્દે વહીવી સમિતિના અન્ય સભ્ય ડાયના એડલજીએ જુદો મત વ્યક્ત કર્યો છે. એડલજીએ બન્ને ક્રિકેટર્સની મહિલાઓ પ્રત્યે અભદ્ર ટિપ્પણીની બાબત બોર્ડના લીગલ સેલ સમક્ષ રજૂ કરવા ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વિખ્યાત દિગ્દર્શક કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં મહિલાઓ, વર્જીનિટી તેમજ સેક્સને લઈને કેટલીક અભદ્ર ટિપ્પણી કરી હતી. બાદમાં તેણે ટિ્‌વટર પર માફી માંગી હતી. આ મામલે બુધવારે બોર્ડે બન્ને ક્રિકેટર્સને કારણ દર્શાવો નોટિસ મોકલી હતી. જેના જવાબમાં હાર્દિક પંડ્યાએ પોતે આ ભૂલ કરી હોવાનું કબૂલ્યું હતું અને ભવિષ્યમાં ફરી આવું નહીં કરવા જણાવ્યું હતું.
જો કે ગુરુવારે વિનોદ રાયે આ મામલે જણાવ્યું કે, ‘હું હાર્દિકની સ્પષ્ટતાથી સંતુષ્ટ નથી અને માટે મે બન્ને ક્રિકેટર્સ પર બે મેચનો પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. હવે ડાયના મંજૂરી આપે બાદમાં અંતિમ નિર્ણય લેવાશે.’