લંડન,તા. ૧૨
ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં જોહાના કોન્ટાએ મોટો અપસેટ સર્જીને આજે રોમાનિયાની બીજી ક્રમાંકિત ખેલાડી સિમોના હાલેપને હાર આપી હતી. આની સાથે જ તે સેમીફાઇનલમાં પ્રવેશી ગઇ હતી. કોન્ટા વર્ષ ૧૯૭૮ બાદથી સેમીફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ બ્રિટીશ સ્ટાર બની હતી. ૨૬ વર્ષીય છઠ્ઠી ક્રમાંકિત કોન્ટાએ ૬-૭, ૭-૬ અને ૬-૪થી જીત મેળવી હતી. ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડનમાં મહિલાઓના સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચેલી ચાર મહિલાઓ નક્કી થઇ ચુકી છે જેમાં વિનસ વિલિયમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુગુરુઝાનો પણ સમાવેશ થાય છે. હવે પુરુષ વર્ગમાં ટોચના ખેલાડીઓ આમને સામને આવનાર છે. જેથી આ મેચો પણ રોચક બની શકે છે. વિનસ વિલિયમ્સ હવે મહિલા સિંગલ્સ વર્ગમાં હોટફેવરિટ તરીકે ઉભરી ચુકી છે. રોજર ફેડરર હવે ગયા વર્ષના ફાઈનાલિસ્ટ કેનેડાના મિલોસ રાવોનીક સામે રમશે. અંતિમ આઠમાં પ્રવેશી ચુકેલાઓમાં એન્ડી મરે હવે શક્તિશાળી અમેરિકન ખેલાડી શામકેરી સામે રમશે જ્યારે સાતમાં ક્રમાંકિત મારિન સિલિક કીલર તરીકે બનેલા મુલર સામે રમશે.