(સંવાદદાતા દ્વારા)                ગાંધીનગર, તા.ર૯

ગૌ-રક્ષાના નામે દેશભરમાં આતંક મચાવનારા કહેવાતા ગૌ-ભક્તોને ઉદ્દેશીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગૌરક્ષાના નામે થતી હિંસા કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. આપણા દેશમાં કોઈપણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, હોસ્પિટલમાં કોઈ દર્દીને ન બચાવી શકનાર ડૉક્ટરોને મારપીટ કરી હોસ્પિટલને આગ લગાડે અને અકસ્માતના બનાવમાં ગાડીઓ સળગાવી દેવાય શું ગાંધીના અહિંસાના જ્યાં પાઠ ભણાવાયા તે આ આપણો દેશ છે ?

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ર૦૧૧થી ર૦૧૪ દરમ્યાન તેમના શાસનકાળમાં જ ગૌ-રક્ષકોને એવોર્ડઝ અને રોકડ ઈનામો આપી પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા અને તે પછી કેન્દ્ર સરકારમાં તેમણે સત્તા સ્થાને આવ્યા બાદ તેમના શાસનકાળમાં જાણે ગૌ-રક્ષાના નામે હિંસાનું તાંડવ મચાવવામાં આવી રહ્યું ત્યારે હવે રહી-રહીને વડાપ્રધાન પ્રથમવાર મોં ખોલ્યું હોય તેમ આ મુદ્દે આજે અમદાવાદમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગાયના નામે કાયદો હાથમાં લઈ હત્યા કરવી, હિંસા કરવી યોગ્ય નથી અને કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. બાપુ અને વિનોબાભાવેના આ માર્ગ નથી કે સંદેશો પણ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની હાઈપ્રોફાઇલ ગુજરાત યાત્રા આજે શરૂ થઇ હતી. તેમની બે દિવસની યાત્રાના પ્રથમ દિવસે મોદીએ આજે અમદાવાદ ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ પર્વની ઉજવણી નિમિતે ૧૫૦ રૂપિયાનો સિક્કો તેમ જ ટપાલ ટિકિટનું વિમોચન કરી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મોદીએ એક તબક્કે ગાયના મુદ્દે ભાવુક બની ગૌરક્ષાના નામે દેશમાં જે હિંસા થાય તે પરત્વે ભારોભાર દુઃખ અને નારાજગી વ્યકત કરી હતી અને દેશના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગૌરક્ષાના નામે હિંસા અને કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ સ્વીકાર્ય ના હોઇ શકે. મોદીએ સાથે સાથે એમપણ જણાવ્યું કે, ગૌરક્ષાના નામે, હોસ્પિટલમાં દર્દીના મોતના મુદ્દે કે અકસ્માત બાદ લોકોને મારવાની હિંસા કોઇપણ રીતે સ્વીકાર્ય નથી. હિંસા કોઇપણ સમસ્યાનું સમાધાન નથી. આપણે ગાંધીજીએ બતાવેલા અહિંસાના રસ્તે જ ચાલવુ પડશે. કોઇપણ વ્યકિતને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી, કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઇએ. વડાપ્રધાન મોદીએ પોતાના વકતવ્યમાં ઉમેર્યું કે, ગૌ સેવા અને રક્ષાની બાબતે લોકોએ વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીજીમાંથી પ્રેરણા લઇ શીખવું જોઇએ. ગાંધીજીએ આપણને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે અને દેશએ અહિંસાના માર્ગે જ ચાલવુ પડશે, હિંસા કોઇપણ સમસ્યાનું સમાધાન ન હતું અને નથી એ વાત સમજી લેવી જોઇએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પણ આપણે વિશ્વશાંતિના મસીહા તરીકે રજૂ કરી શકયા નથી, જો આપણે તેમ કરી શકયા હોત તો, વિશ્વ શાંતિ માટે કામ કરતી સંસ્થા યુએનમાં પણ કોઇ નવો વડો બને તે પહેલાં ગાંધી આશ્રમની મુલાકાત લઇ વિશ્વશાંતિની પ્રેરણા અહીંથી લઇ જાત.