(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
વિપક્ષી એકતાની કોશિશ વચ્ચે હવે વિપક્ષી દળો એક મંચ પર ભેગા થશે. તે મુજબ ૧ સપ્ટેમ્બરે તેઓ ગુજરાતમાં એક મોટી રેલી કરવાની યોજના બનાવી રહ્યા છે. જેનું આયોજન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ૧૮ વિપક્ષી દળો ભાગ લેવાનો દાવો કરાયો છે. આ રેલી પહેલા ર૭ ઓગસ્ટના રોજ પટનામાં રાજદની પહેલથી સંયુક્ત વિપક્ષોની રેલી યોજાનાર છે. ગુરૂવારે શરદ યાદવની પહેલ પર દિલ્હીમાં વિપક્ષી દળો ભેગા થયા હતા. ગુજરાતમાં ૧ સપ્ટેમ્બરના રોજ વલસાડમાં રેલી થશે. જે કિસાન સત્યાગ્રહના નામે યોજાશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અધ્યક્ષ પદે યોજાનાર આ રેલીમાં બસપા નેતા માયાવતી અને શરદ યાદવ હાજર રહેનાર છે. આ ઉપરાંત સપા નેતા અખિલેશ યાદવ, ટીએમસી નેતા મમતા બેનરજી સહિત બાકી વિપક્ષી દળો સાથે પણ સંપર્ક કરાયો છે. કોંગ્રેસ દ્વારા અહમદ પટેલ આ રેલીનું પૂરેપૂરૂં કામકાજ જોઈ રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. રાજ્યસભામાં અહમદ પટેલના વિજય બાદ કોંગ્રેસનો ઉત્સાહ વધી ગયો છે. રેલી દ્વારા માહોલ બનાવવાની કોશિશ કરાશે. પટણામાં ર૭ ઓગસ્ટના રોજ રાજદ દ્વારા યોજાનાર વિપક્ષી નેતાઓની રેલીને સફળ બનાવવા રાજદ નેતાઓ મોટાપાયે પૈસા અને શક્તિ વાપરી રહ્યા છે તે માટે સોશિયલ મીડિયા કેમ્પેઈન દ્વારા ગીતો લખાયા છે. રાજદના યુવા નેતા તેજસ્વી યાદવ દ્વારા પહેલો રાજનીતિક અભિયાન છે. જેને કેવો પ્રતિસાદ મળે છે તેના પરથી તેજસ્વી યાદવની આગળની રાજનીતિ નક્કી થશે. લાલુ યાદવ રેલીના અનુસંધાનમાં સોનિયા ગાંધીને પણ મળનાર છે. તેમજ વિપક્ષના નેતાઓને પણ મળશે.