નવીદિલ્હી, તા. ૧૧
વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધી ધીમીગતિએ પોતાની આક્રમક તૈયારી કરી રહ્યા છે. એકબાજુ ભાજપ સરકારના લોકો સરકારની સિદ્ધિઓ ગણાવવામાં વ્યસ્ત છે ત્યારે રાહુલ ગાંધી વિપક્ષી એકતાને મજબૂત કરવાના પ્રયાસમાં લાગેલા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હાલના દિવસોમાં અનેક મોટા નેતાઓ સાથે વાતચીત કરી છે. હવે એનસીપીના નેતા શરદ પવાર સાથે પણ રાહુલે બેઠક યોજી છે. રાહુલ ગાંધીને મળવા માટે શરદ પવાર એક દિવસ માટે દિલ્હી પહોંચ્યા હતા. પવારને મળવા રાહુલ જનપથ સ્થિત સરકારી આવાસ ઉપર પહોંચ્યા હતા. બંને વચ્ચે ૪૫ મિનિટ સુધી ચર્ચા થઇ હતી. પવાર અને રાહુલ વચ્ચે વિપક્ષની આગામી રણનીતિને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાએ રાહુલને કેટલીક જરૂરી ટિપ્સ પણ આપી હતી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન પર ધ્યાન કેન્દ્રિત કરીને જો ત્રણેય રાજ્યોમાં ભાજપને હરાવીને કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવે છે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત થશે. રાહુલનું કદ પણ મજબૂત થશે. ગુજરાત અને કર્ણાટકમાં જે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો છે તે જ રીતે આ રાજ્યોમાં પણ પ્રચાર કરવામાં આવે તે જરૂરી છે. પવારે રાહુલ ગાંધીને કહ્યું હતું કે, જો આ રાજ્યોમાં ભાજપની હાર થશે તો ગુજરાત, આંધ્ર અને તેલંગાણામાં કોંગ્રેસ મજબૂતી સાથે ઉપર આવી શકે છે. કારણ કે આ જગ્યાઓ ઉપર કોંગ્રેસની સ્થિતિ મજબૂત રહેલી છે. રાહુલ અને પવાર વચ્ચે અનેક વખત મિટિંગો થઇ ચુકી છે. રાહુલ ગાંધી વિપક્ષની એકતાને લઇને ગંભીર દેખાઈ રહ્યા છે.