(એજન્સી) તા.૫
બાલાકોટ હવાઇ હુમલામાં ૨૫૦થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા એવો ભાજપના પ્રમુખ અમિત શાહે રવિવારે દાવો કર્યા બાદ વિરોધ પક્ષના નેતાઓએ આ સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવા બદલ અમિત શાહની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
અમિત શાહ શાસક પક્ષના એવા પ્રથમ નેતા છે કે જેમણે વાયુદળના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાનો આંકડો આપ્યો છે. સોમવારે કોંગ્રેસે હવાઇ હુમલાને રાજકીય રંગ આપવા બદલ અમિત શાહની ઉગ્ર ટીકા કરી હતી. વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજકીય સ્વાર્થ માટે હવાઇ હુમલાનો ગેરલાભ ઉઠાવી રહ્યું છે. પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે હું સરકારના દાવાને માનવા તૈયાર છું પરંતુ સરકારે આ બાબતમાં વિપક્ષોની ટીકા કરવી જોઇએ નહીં. તેમણે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે ઇન્ડિયન એરફોર્સના વાઇસ એર માર્શલે ખુવારીના આંકડા અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે તો પછી ૩૦૦થી ૩૫૦ મોતનો આંકડો કઇ રીતે કરી રહ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ અમિત શાહની ટીકા કરતા જણાવ્યું હતું કે અમિત શાહ સશસ્ત્ર દળોને જૂઠા જણાવી રહ્યા છે. દેશ કોઇ પણ સંજોગોમાં આ જૂઠાણાને સાંખી લેશે નહીં. સશસ્ત્ર દળો કદાપિ જૂઠુ બોલે નહીં માત્ર ભાજપ જ જૂઠુ બોલી રહ્યો છે. સમગ્ર દેશ સશસ્ત્ર દળોની પડખે છે માત્ર ભાજપ જ તેમની વિરુદ્ધ છે એવું કેજરીવાલે જણાવ્યું હતું. ટીએમસીના પ્રવક્તા ડેરેક ઓબ્રાયને અમિત શાહ અને મોદી પર કોઇ પણ જાતના પ્લાન વગર મરવા માટે સૈનિકોને મોકલતા હોવાનો આક્ષેપ કર્યો છે. શું તમારો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો છે ? એવો વેધક પ્રશ્ન અમિત શાહને પૂછ્યો હતો.