(એજન્સી) તા.૨૦
વિરોધ પક્ષ કોંગ્રેસ અને એનસીપીએ મરાઠાની રાહે મુસ્લિમો; ઢાંગર, લિંગાયતો અને અન્ય સામાજિક-આર્થિક પછાત સમુદાયોને અનામત આપવાની માગણીને સમર્થન આપીને તેમજ મહારાષ્ટ્રમાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ હેક્ટર રુ.૫૦૦૦૦ના વળતરની માગણીને પણ સમર્થન આપીને અત્રે સોમવારે શરુ થતા મહારાષ્ટ્ર વિધાનગૃહના શિયાળુ સત્ર માટે આક્રમક તખ્તો ગોઠવી દીધો છે.
જે દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે એવી જાહેરાત કરી કે તેમની સરકાર નવા સામાજિક-આર્થિક પછાતવર્ગની કેટેગરી હેઠળ મરાઠાને નોકરી અને શિક્ષણમાં અનામત આપશે એ જ દિવસે વિરોધ પક્ષોએ રાજ્ય વિધાનગૃહના શિયાળુ સત્રની પૂર્વ સંધ્યાએ ફડનવીસ દ્વારા આયોજિત પરંપરાગત ટી પાર્ટીનો બહિષ્કાર કરીને પોતાના આક્રમક મૂડનો અણસાર અગાઉથી આપી દીધો હતો.
શિયાળુ સત્ર પૂર્વે વિવિધ વિરોધ પક્ષોના સમૂહ નેતાઓની એક સંયુક્ત બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણા વિખે-પાટીલે રાજ્યમાં ભાજપ-શિવસેનાની સરકારને મહારાષ્ટ્રના ઠગ તરીકે ગણાવીને જણાવ્યું હતું કે આ સરકાર તેના શાસનના ચાર વર્ષ દરમિયાન આપેલ વચનોનો અમલ કરાવમાં નિષ્ફળ ગઇ છે. વિખે- પાટીલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મુખ્ય પ્રધાને મરાઠા સમુદાયને ૧ ડિસે.ના રોજ ઉજવણી કરવા તૈયાર રહેવા જણાવ્યું છેે જ્યારે અમારી માગણી છે કે મુસ્લિમો ઢાંગર, લિંગાયતો અને અન્ય સામાજિક આર્થિક પછાત સમુદાયને ક્યારે અનામત આપવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને અનામત આપવાના મુદ્દે એવો અહેવાલ આપવા મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગ પર દબાણ લાવ્યું છે એવો આક્ષેપ કરીને વિખે-પાટીલે જણાવ્યું હતું કે અમારી માગણી છે કે રાજ્ય સરકાર અન્ય સમુદાયોના હયાત અનામતને ખલેલ પહોંચાડ્યા વગર મરાઠાને કઇ રીતે અનામત આપશે. અમારી માગણી છે કે રાજ્ય સરકાર રાજ્ય વિધાનગૃહના સત્રના પ્રથમ દિવસે એમએસબીસીસીનો અહેવાલ સુપરત કરે.