જમ્મુ-કાશ્મીર સરહદે અથડામણમાં શહીદ થયેલા વડોદરાના વીર શહીદ આરીફખાન પઠાણનો પાર્થિવદેહ મંગળવારે રાત્રે વડોદરાના એરપોર્ટ પર લાવવામાં આવતા શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યાં ત્રિરંગા સાથે હજારો હિન્દુ-મુસ્લિમ લોકો જોડાયા હતા. બુધવારે શહીદ જવાનના ગોરવા સ્થિત નિવાસસ્થાનેથી જનાઝો કાઢવામાં આવતા ધાર્મિક, રાજકીય, સામાજિક આગેવાનો સહિત તમામ ધર્મના હજારો લોકો અશ્રુભીની આંખે શહીદના જનાઝામાં સામેલ થયા હતા. ત્યારબાદ શહીદ જવાનની નમાઝે જનાઝા અદા કરવામાં આવી હતી. શહીદ આરીફખાન પઠાણના જનાઝાને દફનવિધિ માટે લઈ જવાતો હતો ત્યારે તેના માતા-પિતા, બહેન-ભાઈ સહિત સગાસંબંધીઓએ આખરી વિદાય આપતી વખતે રોકકળ મચાવી મૂકી હતી. શહીદના જનાઝાને તેમના ગોરવા સ્થિત નિવાસસ્થાનેથી કબ્રસ્તાન સુધી લઈ જવાતા રસ્તામાં ઠેર-ઠેર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોર્ડિંગ્સ અને બેનરો લગાડવામાં આવ્યા હતા. ઈન્સેટ તસવીર શહીદ જવાન આરીફખાન પઠાણની છે.

(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.ર૪
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદ થયેલા શહેરનાં મોહમ્મદ આરીફ ખાનનો જનાજો ગોરવા કબ્રસ્તાન ખાતે પહોંચ્યો હતો. જ્યાં આર્મીના ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાન આરીફની દફનવિધિ કરાઇ હતી. શહીદ આરીફખાનનાં બે કિલો મીટર લાંબા જનાજામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહીદ જવાનનાં જનાજામાં દેશભકિતનાં ગીતો સાથે વીર શહીદ આરીફ અમર રહો…. હિન્દુસ્તાન જિંદાબાદ…. પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લાગ્યા હતા. નવાયાર્ડ વિસ્તારની ચીસ્તીયા મસ્જિદ ખાતે જનાજાની નમાઝ પઢાવવામાં આવી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા મોહમ્મદ આરીફખાન પઠાણના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી હજારોની સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે જોડાયા હતા. આ સમયે ચુસ્તપોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને રસ્તામાં વીર શહીદ આરીફખાનના નારા લાગ્યા હતા. આજે આરીફખાનના પાર્થિવ દેહને તેને નવાયાર્ડ સ્થિત રોશનનગર ખાતેનાં ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.
દેશભકિતનાં ગીતોથી નવાયાર્ડ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ સમયે કોમી એખલાસનાં અદ્‌ભુત દ્રશ્યો પણ સર્જાયા હતા. હિન્દુ-મુસ્લિમોએ સાથે મળીને પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ કરી હતી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ શહીદ જવાનનાં અંતિમ દર્શન માટે આવ્યા હતા. નવાયાર્ડ સ્થિત શહીદ જવાનનાં ઘરથી લઇને ગોરવા ખાતે આવેલા કબ્રસ્તાન સુધી શ્રદ્ધાંજલિ આપતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આજે લોકોમાં અનેરો દેશપ્રેમનો જુસ્સો જોવા મળ્યો હતો. વાતાવરણ દેશભકિતમાં પરિવર્તિત થઇ ગયું હતું. વિસ્તારનાં વેપારીઓએ સ્વયંભુ પોતાના રોજગાર-ધંધા બંધ રાખીને શહીદ આરીફખાનને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ આરીફખાનની દફનવિધિમાં તેના મૂળ વર્તન ઉત્તરપ્રદેશના ભરગૈન ખાતેથી પણ ૨૦૦ જેટલા સગા-સંબંધીઓ હાજર રહ્યા હતા. શહીદ આરીફખાનને ગુસલ (સ્નાન) કરાવવામાં આવ્યું હતું. વીર શહીદ આરીફખાનના જનાજાને નવાયાર્ડ સ્થિત ચીસ્તીયા મસ્જિદ ખાતે લાવવામાં આવ્યો હતો. પીર તરીકત સૈયદ મોઇનુદ્દીન જીલાનિયુલ કાદરી દ્વારા જનાજાની નમાઝ પઢાવવામાં આવી હતી. સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ ગોરવા ખાતેનાં કબ્રસ્તાન તરફ જનાજાને લઇ જવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો દફનવિધિમાં જોડાયા હતા અને ખરા દિલથી આરીફખાનને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ આરીફખાનનાં પિતા શફીઆલમખાન પઠાણે જણાવ્યું હતું કે, મારો પુત્ર દેશની રક્ષા કરતાં કરતાં શહીદ થયો છે. પુત્ર ગયો તેનું મને દુઃખ છે. મારો સૌથી લાડકવાયો પુત્ર આરીફ હતો. હું આંખો બંધ કરીને જૂના સ્મરણો યાદ કરૂં છું ત્યારે મને તેની દેશ પ્રત્યેની વાતો અને ભાવના યાદ આવી રહી છે. મારો પુત્ર શહીદ થયો તેનું મને ગૌરવ પણ છે. હું બીજા પુત્રોને પણ આર્મીમાં મોકલવા માટે તૈયાર છું. અંતિમ યાત્રા સમયે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જનાજાનાં રૂટ પર ૨-ડીસીપી, ૪-એસીપી, ૧૦-પીઆઇ, ૨૫-પીએસઆઇ, ૩૦૦થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા. શહીદ આરીફખાનની આજે દફનવિધિ કરવામાં આવી હતી. નવાયાર્ડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મંગળવારે રોડ પર પડેલા ખાડા પુરી દઇ પેચવર્ક કરી દેવામાં આવ્યો હતો.

વડોદરાના સાંસદ, મેયર સહિત રાજકીય, ધાર્મિક આગેવાનો, પોલીસ, હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ પણ અંતિમ યાત્રામાં જોડાયા

જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કાજે વીરગતિને પ્રાપ્ત થઇ શહીદી વ્હોરી લેનાર વડોદરાના જવાન આરીફ પઠાણની અંતિમ યાત્રામાં સમગ્ર વડોદરા શહેર સહિત શહેરના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ પણ જોડાયા હતા. આરીફ પઠાણની અંતિમ યાત્રામાં વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર જીગીશાબેન શેઠ, ધારાસભ્યો યોગેશ પટેલ, જીતેન્દ્ર સુખડીયા, મધુ શ્રીવાસ્તવ તથા કેતન ઇનામદાર હાજર રહ્યાં હતા. સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, ગુજરાત કોંગ્રેસ લઘુમતિ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખ ગુલાબખાન રાઉમા, ઉપપ્રમુખ-ચિરાગ શેખ, જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ આર્મીનાં અધિકારીઓ તથા જવાનો ઉપરાંત કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત, મ્યુ.કોર્પોરેટર-ફરીદ કટપીસવાલા, ખાલીદ મલેક, હાજી જુનેદ શેખ તેમજ સ્થાનિક કોર્પોરેટરો સહિત શહેરના સામાજિક અગ્રણી, ધાર્મિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. ક્રિકેટર યુસુફ પઠાણ તથા તેના પિતા મહેમુદખાને પણ શહીદના પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી.

શહીદના પાર્થિવ દેહને મંગળવારે રાત્રે દિલ્હીથી લવાતા હજારો લોકોએ તિરંગા સાથે સલામી આપી

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદ થયેલા મોહમ્મદ આરીફખાનનાં પાર્થિવ દેહને મંગળવારે રાત્રે દિલ્હીથી ઇન્ડીકો ફલાઇટમાં ભારતીય આર્મી દ્વારા હરણી એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. શહીદ આરીફખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંજથી જ હજારો લોકો રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે એરપોર્ટ પર પહોંચી ગયા હતા. તેનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવતા એકત્ર થયેલા હજારો લોકોએ હિન્દુસ્તાન જિંદાબાદ…. પાકિસ્તાન મુર્દાબાદ…. જબતક સુરજ-ચાંદ રહેગા આરીફ તેરા નામ રહેગા…. જેવા સૂત્રોચ્ચારથી વાતાવરણ ગજવી મૂક્યું હતું. એરપોર્ટ પરીસર ખાતેનાં ૧૦૦ ફૂટ ઊંચા તિરંગા પાસેના શહીદ સ્મારક ખાતે ગત રાત્રે આર્મીનાં વાહનમાં શહીદનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો. જ્યાં આર્મીનાં જવાનો દ્વારા તેમની લશ્કરી સન્માનવિધિ રેથલિંગ યોજવામાં આવી હતી. જ્યાં શહેરના મહાનુભાવોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. આર્મી અને આર્મીએર ડિફેન્સની ટુકડી હાજરી રહી હતી. મેજર માઇક જુલિયર એસ.સયાલી અને બ્રિગેડિયર રજત ઉપસ્થિત રહ્યાં હતા. આરીફના પિતા રેલવેમાં ફરજ બજાવતા હોય. રેલવેનાં ડી.આર.એમ. દેવેન્દ્રકુમાર સહિત ઓપરેશન વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યાં હતા. જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે આરીફના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.

શહીદના વતન યુપીના ભરગૈનમાં સગા સંબંધીઓ સાથે હજારો લોકોએ રેલી કાઢી શ્રદ્ધાંજલિ અર્પી

વડોદરાના વીર જવાન આરીફ પઠાણનો શબ વડોદરા પહોંચ્યા બાદ આજે તેના જનાજામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. જ્યારે બીજી બાજુ આરીફ પઠાણનાં મૂળ વતન એવા ઉત્તરપ્રદેશના ભરગૈન ખાતે પણ આરીફની શહાદતને બિરદાવવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા તથા વિશાળ રેલી યોજી આરીફને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ પાકિસ્તાન મુર્દાબાદ તથા હિન્દુસ્તાન જિંદાબાદના નારી સાથે લોકોએ પોતાની ભાવના વ્યકત કરી હતી. ભરગૈન ખાતે યોજાયેલી રેલીમાં આરીફ પઠાણનાં ત્યાં રહેતા સગા-સંબંધીઓ તથા મિત્રો પણ જોડાયા હતા.