(સંવાદદાતા દ્વારા) વિરમગામ,તા.૩૦
સમગ્ર દેશમાં સરકારના સીએએ અને એનઆરસીના કાયદાના વિરોધમાં રેલી અને આવેદનપત્રો આપવાના સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગતરોજ વિરમગામમાં મુસ્લિમ સમાજ દ્વારા આ કાયદાને કાળો કાયદો જણાવી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે સમસ્ત વિરમગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનના પગલે સવારથી જ વિરમગામના બજારો બંધ રહ્યા હતા. જેમાં વિરમગામનું ચોકસી બજાર, બોરડી બજાર, જુમ્મા મસ્જિદ, મોચી બજાર, કંસારા બજાર, કાપડ બજાર, પાનચકલા, ભરવાડી દરવાજા, તાઈવાડા સહિતના બજાર વિસ્તારોમાં મોટાભાગની તમામ દુકાનો બંધ રહી હતી અને વિરમગામ શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં પણ લોકોએ પોતાના ધંધા, રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ મોટા ભાગની રિક્ષાઓ પણ બંધ રહી હતી. જ્યારે મુસ્લિમ યુવકોએ પોતાના હાથના બાવડા પર કાળી પટ્ટી બાંધી કાયદાનો વિરોધ કર્યો હતો. તેમજ વિરમગામ બંધ દરમિયાન અનેક હિન્દુ વેપારીઓએ પણ પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખી હતી. આ બંધ દરમિયાન વિરમગામ ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ પાસે મુસ્લિમો અને દલિતોએ NO CAA, NO NRCના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. મૌલાનાઓએ આ કાયદા વિશેની જાણકારી આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજના યાસીનભાઈ મંડલી, જીલાની બાપુ (કાઉન્સિલર), મુસ્તાકભાઈ બાવડિયા તેમજ સામાજિક કાર્યકર્તા અલ્તાફભાઈ ઘાંચી સહિતના આગેવાનોએ શાંતિ રાખી આ લડતને આગળ વધારીએ તેવું આહવાન કર્યું હતું. દલિત આગેવાનો પણ આ લડતમાં સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી કે, અમે આ કાયદો રદ ન થાય ત્યાં સુધી લડતા રહીશું.