રાજકોટ, તા.૫
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે રાજકોટની સપાટ પીચ માટે યોગ્ય પણ હતો. બીજા દિવસે લંચના વિરામ સુધીમાં ટીમ ઈન્ડિયાએ ૫ વિકેટ ગુમાવીને ૫૦૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી ૧૨૦ અને રવિન્દ્ર જાડેજા ૧૯ રન બનાવી નોટઆઉટ છે.
બીજા દિવસની રમતનું મુખ્ય આકર્ષણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું બેટિંગ રહ્યું. કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીની ૨૪મી સદી ફટકારી હતી. સૌથી ઓછી ઈનિંગમાં ૨૪ શતક ફટકારવાની યાદીમાં કોહલીએ ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, પાકિસ્તાનના મોહમ્મદ યૂસુફ અને વેસ્ટઈન્ડિઝના લિજેન્ડ ખેલાડી સર વિવ રિચડ્‌ર્સને પણ પાછળ છોડી દિધા છે.
કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીની ૧૨૩ ઈનિંગમાં ૨૪ શતક ફટકાર્યા છે. ક્રિકેટ વિશ્વમાં આ રેકોર્ડમાં કોહલીથી આગળ ફક્ત ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી ડોન બ્રેડમેન આવે છે. જેમણે ૬૬ ઈનિંગમાં ૨૪ ટેસ્ટ સદી ફટકારી છે.
સૌથી ઓછી ઈનિંગમાં ૨૪ ટેસ્ટ શતક
સર ડોન બ્રેડમેન- ૬૬ ઈનિંગ
વિરાટ કોહલી- ૧૨૩ ઈનિંગ
સચિન તેંડુલકર- ૧૨૫ ઈનિંગ
સુનિલ ગાવસ્કર- ૧૨૮ ઈનિંગ