પર્થ,તા.૧૮
મેચ બાદ કોહલીએ કહ્યું કે, “અમે કેટલાક ભાગમાં સારું રમ્યા અને આ વાતથી શીખ લઇને અમે આગળની મેચમાં રમવા ઉતરશું.” કોહલીએ વિરોધી ટીમની પ્રશંસા કરતા કહ્યું, “ઑસ્ટ્રેલિયાએ અમારા કરતા સારી રમત રમી અને તેઓ જીતને ડિઝર્વ કરતા હતા.” ભારતીય કેપ્ટને માન્યુ કે જો લક્ષ્ય ૩૦-૪૦ રન ઓછુ હોત તો સારુ રહ્યું હોત. કોહલી પોતાના બૉલર્સનાં પ્રદર્શનથી ખુશ જોવા મળ્યો. તેણે કહ્યું કે, “અમારા બોલર્સે જે રીતનું પ્રદર્શન કર્યું તે પ્રશંસનીય છે. ખાસ કરીને બીજા દાવમાં અમારા બૉલર્સનું પ્રદર્શન ઘણું જ સારું હતુ.”
કોહલીને પુછવામાં આવ્યું કે શું આ પિચ પર જાડેજાને તક આપવી જોઇતી હતી? તે વિશે કોહલીએ જણાવ્યું કે, “જ્યારે અમે પહેલીવાર પિચ જોઇ તો લાગ્યુ કે ઝડપી બોલર પર્યાપ્ત છે, પરંતુ નાથન લાયને આ વિકેટ પર શાનદાર બોલિંગ કરી હતી.” ટીમમાં ભુવનેશ્વર કુમારનાં સ્થાન પર ઉમેશ યાદવને જગ્યા આપવા પર વાત કરતા કોહલીએ કહ્યું કે, “ભુવીએ હાલમાં વધારે ટેસ્ટ મેચ નથી રમી. ઉમેશ યાદવે પોતાની ગત ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટ લીધી હતી અને તે સારી લયમાં જોવા મળી રહ્યો હતો, માટે અમે તેના પર પસંદગી ઉતારી. જો અશ્વિન ફિટ હોત તો અમે તેના નામ પર વિચાર્યું હોત. ઈમાનદારીથી કહું તો અમે સ્પિન વિકલ્પ વિશે નહોતુ વિચાર્યું.” કોહલીએ કહ્યું કે હવે તે આગામી મેચને લઇને વિચારી રહ્યો છે.