દુબઇ, તા.૨૨
વિરાટ કોહલીનું આઈ.સી.સી. એવાડ્‌ર્સ -૨૦૧૮માં શાનદાર પરફોર્મન્સ રહ્યું છે. તેની ICC Men’s Cricketer of the Year ૨૦૧૮! તરીકે પસંદગી થઇ હોવાથી તે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીનો હકદાર બન્યો છે. સાથે વિરાટની પ્રથમ વખત ICC Men’s Test Cricketer of the Year તરીકે પસંદગી થઇ છે. આ ઉપરાંત વિરાટ બીજા વર્ષ ICC Men’s ODI Cricketer of the Year બન્યો છે.
આ સાથે જ વિરાટે અનોખી હેટ્રિક પૂરી કરી છે. ૩૦ વર્ષીય કોહલીની ક્રિકેટર ઓફ ધ યર, ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર અને વનડે ક્રિકેટર ઓફ ધ યર તરીકેની પસંદગી થઇ છે. સાથે વિરાટ કોહલીને ટેસ્ટ અને વન-ડે ઓફ ધ યર બંનેનો કેપ્ટન બનાવાયો છે. આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)એ મંગળવારે વનડે અને ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. કોહલીને કેપ્ટન બનાવવાની પાછળ આઇસીસીએ કારણ જણાવ્યું છે. વાસ્તવમાં, તેણે ૨૦૧૮માં ૧૪ વનડે મેચોમાંથી નવ મેચોમાં ભારતને જીત અપાવી. કુલ મળીને ભારતે ૧૪ મેચ જીતી અને માત્ર ચાર મેચ હારી, જ્યારે બે મેચ ટાઈ રહી હતી.
ટેસ્ટની વાત કરીએ તો વિરાટ કોહલી ૨૦૧૮માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ૧૩ ટેસ્ટમાં ૫૫.૦૮ની સરેરાશથી ૧૩૨૨ રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટન્સીમાં જોરદાર સફળતા અપાવી રહેલા વિરાટ કોહલીને વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે બહુ મોટું સન્માન છે. ટેસ્ટ ટીમમાં કેપ્ટન કોહલી ઉપરાંત રિષભ પંત અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત વનડેમાં કેપ્ટન કોહલીની સાથે રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે. સાચું કહીએ તો બંને ટીમોમાં ભારત અને ઇંગ્લેન્ડનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે ICC વન-ડે ટીમ ઓફ ધ યરઃ રોહિત શર્મા (ભારત), જોની બેયરસ્ટો (ઈંગ્લેન્ડ), વિરાટ કોહલી (ભારત, કેપ્ટન), જો રૂટ (ઈંગ્લેન્ડ), રોસ ટેલર (ન્યુઝીલેન્ડ), જોસ બટલર (વિકેટકીપર, ઈંગ્લેન્ડ), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), મુસ્તાફિઝુર રહેમાન (બાંગ્લાદેશ ), રાશિદ ખાન (અફગાનિસ્તાન) કુલદીપ યાદવ (ભારત), જસપ્રીત બુમરાહ (ભારત)
ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યરઃ ટોમ લાથમ (ન્યુઝીલેન્ડ), દિમુથ કરૂણારાત્ને (શ્રીલંકા), કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ), વિરાટ કોહલી (ભારત), હેનરી નિકોલ્સ (ન્યુઝીલેન્ડ), ઋષભ પંત (વિકેટકીપર, ભારત), જેસન હોલ્ડર (વેસ્ટઇન્ડીઝ), કેગિસો રબાડા (દ.આફ્રિકા) ), નાથન લિયોન (ઑસ્ટ્રેલિયા), જસપ્રીત બુમરાહ (ભારત), મો. અબ્બાસ (પાકિસ્તાન).

આઈસીસીના ઇમર્જિંગ ક્રિકેટર-૨૦૧૮ તરીકે ઋષભ પંતની પસંદગી

ભારતના વિકેટકીપર-બેટ્‌સમેન ઋષભ પંતની મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર તરીકે પસંદગી થઇ છે. ૨૧ વર્ષીય પંતને ઉત્કૃષ્ટ દેખાવ બદલ આઈસીસીની વોટિંગ એકેડમીએ તેની પસંદગી કરી હતી. તે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટ-કીપર બન્યો હતો અને ટેસ્ટ મેચમાં સૌથી વધુ કેચ માટેના રેકોર્ડની બરાબરી કરી હતી. જેમાં ડિસેમ્બરમાં એડિલેડમાં ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી મેચનો પણ સમાવેશ છે. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર પણ છે.