નવી દિલ્હી,તા.૨૭
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦ હજાર રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી.
આ પહેલા સૌથી ઝડપી ૨૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે હતો.
કોહલીએ આ મેચમાં ૩૭ રન બનાવતા જ ૪૧૭ ઈનિગંમાં (૧૩૧ ટેસ્ટ, ૨૨૪ વનડે અને ૬૨ ટી૨૦)માં ૨૦ હજાર રનનો આંકડો પાર કર્યો હતો.
આ મુકામ પર પહોંચનારો તે ૧૨મો બેટ્‌સમેન અને ત્રીજો ભારતીય બની ગયો છે. કોહલીથી વધુ રન સચિન (૩૪૩૫૭) અને રાહુલ દ્રવિડ (૨૪૨૦૮)એ બનાવ્યા છે.
તેંડુલકર અને લારા બંન્ને ૪૫૩ ઈનિંગમાં આ મુકામ પર પહોંચ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ૪૬૮ ઈનિંગમાં ૨૦ હજાર આંતરરાષ્ટ્રીય રનના આંકડાને પાર કર્યો હતો.
એટલું જ નહીં, વિરાટ કોહલી એશિયાનો પણ પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે વિશ્વ કપમાં સતત ૪ વખત ૫૦થી વધુની ઈનિંગ રમી છે. આ મામલામાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચની બરોબરી કરી લીધી છે. જેણે સતત ૪ વખત ૫૦ રનથી વધુની ઈનિંગ રમી છે.