લંડન, તા.૧
ઇંગ્લેન્ડ સામેના મુકાબલામાં ભારતને ૩૧ રનોથી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે તમામ ટીમો એક બે મેચ હારી છે અને અમે સ્વીકાર કરવો જોઇએ કે ઇંગ્લેન્ડે સારૂં પ્રદર્શન કર્યું. કોહલીએ કહ્યું કે પંત અને પંડ્યા જ્યારે બેટિંગ કરી રહ્યા હતા તો તેમની પાસે સારી તક હતી. અમારી વિકેટ પડી ગઇ અને પછી ચેઝ કરવાનું મુશ્કેલ થઇ ગયું પરંતુ અંતમાં તેનો શ્રેય ઇંગ્લેન્ડને જ જાય છે. તેમણે સારી બોલિંગનું પ્રદર્શન કર્યું આથી વધુ રન કરી શકયા નહીં. જો બેટ્‌સમેન રિવર્સ સ્વીપથી સિક્સર ફટકારે છે તો સ્પિનર ખાસ કામ આવતા નથી. એવામાં તેમણે વધુ સ્માર્ટ થવું પડે છે. એક વખત તો તમને લાગ્યું કે ઇંગ્લેન્ડ ૩૬૦ રન બનાવી લેશે પરંતુ અમે ફરીથી વાપસી કરી અને તેમણે ૩૩૦ની આસપાસ રોકવામાં સફળ થયા.
ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગન એ કહ્યું કે મને લાગે છે કે શરૂઆત જ સારી થઇ. ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કરવો સરળ નહોતો. મને સવારથી જ વિશ્વાસ નહોતો પરંતુ અમે સારૂં કર્યું. જૉનીની સદી જોઇ ખૂબ સારૂં લાગ્યું. મને ભારતીયોની બેટિંગ પણ સારી લાગી પરંતુ અમારા બોલર્સે સારૂં પ્રદર્શન કર્યું અને તેમને રોકી લીધા.