મુંબઈ, તા.૧૯
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી માટે જ્યારે પસંદગીકાર મિટિંગ કરશે તો ‘સ્પ્લિટ કેપ્ટન્સી’(વન ડે અને ટેસ્ટ ટીમ માટે અલગ કેપ્ટન)ના મુદ્દે ચર્ચા કરી શકે છે. જ્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ દરમિયાન અને તેના પછી પણ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહેશે.
જો કે, આ પહેલા એવી ચર્ચા હતી કે વિરાટની જગ્યાએ વન ડે અને ટી-૨૦માં રોહિત શર્માને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ હવે એવી કોઈ યોજના નથી. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે. ઉપરાંત મીડિયા રિપોર્ટ મુજબ વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન વન ડે ઇન્ટરનેશનલ, ટી-૨૦ અને ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કરશે. રવિવારે થનારી સિલેક્શન કમિટીની મીટિંગમાં આ બધા મામલે ચર્ચા થવાની સંભાવના છે.
આપને જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી શુક્રવારે થવાની હતી. પરંતુ મીટિંગ કોઈ કારણસર મુલતવી થઈ છે. ઈન્ડીઝનો આ પ્રવાસ ૩ ઓગસ્ટથી શરૂ થશે. વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસને આઈસીસીના ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. જે એશેજમાં આગામી મહિને ઇંગ્લેન્ડમાં શરૂ થવાની છે. તેથી ટીમ ઇન્ડિયા આ પ્રવાસને ગંભીરતાથી લેશે.