નવી દિલ્હી,તા.૩૦
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે વર્ષ ૨૦૨૦ ખૂબ મહત્વનું છે. નવા વર્ષમાં ‘રન મશીન’ના નિશાને ઘણા મોટા રેકોડ્‌ર્ઝ હશે. વન-ડે કરિયરમાં સૌથી ઝડપી ૧૨ હજાર રન બનાવવાનો રેકોર્ડ અત્યારે સચિનના નામે છે. તેણે ૩૦૯ મેચોની ૩૦૦ ઈનિંગ્સમાં આ આંકડો મેળવ્યો હતો. વિરાટના નામે અત્યારે ૨૪૨ મેચોની ૨૩૩ ઈનિંગ્સમાં ૧૧૬૦૯ રન છે. જે રીતે કોહલી રન બનાવી રહ્યો છે તે જોતા કહી શકાય કે, સચિનનો આ રેકોર્ડ મુશ્કેલીમાં છે. સચિને પોતાના વન-ડે કરિયરમાં ૧૬૦ ઈનિગ્સ ઘરમાં રમી અને કુલ ૨૦ સેન્ચુરી લગાવી. આ કોઈપણ ખેલાડી દ્વારા પોતાના ડૉમેસ્ટિક મેદાન પર લગાવેલી સૌથી વધુ વન-ડે સેન્ચુરી છે. વિરાટ અત્યારે સચિનના આ રેકોર્ડની એકદમ નજીક છે. કોહલી ૮૯ ઈનિંગ્સમાં ૧૯ સદી ફટકારી ચૂક્યો છે. બે સદી લગાવતા જ તે સચિનની આગળ નીકળી જશે.
વન-ડેમાં વિરાટના નામે ૨૪૨ મેચોમાં ૪૩ સદી છે જ્યારે સચિનના નામે ૪૯ સેન્ચુરી બોલે છે. તેના અને સચિનની વચ્ચે ૬ સદીનું અંતર છે. વર્તમાન ફોર્મને જોતા કોહલી માટે આ કામ મુશ્કેલ નથી લાગી રહ્યું.
કોહલી સૌથી સફળ ભારતીય કેપ્ટન પહેલા જ બની ચૂક્યો છે. તેણે ૫૩ ટેસ્ટમાં ભારતીય ટીમને કેપ્ટનશિપ સંભાળી છે અને સૌથી વધુ ૩૩ વખત ટીમને જીત અપાવી છે. જો વિરાટ વધુ ૮ ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ કરી લેશે તો તે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડને તોડી નાખશે. ધોનીના નામે સૌથી વધુ ૬૦ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ છે. જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમવાની છે.
સૌથી ઝડપી ૮ હજાર ટેસ્ટ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે. તેણે ૯૧ મેચોની ૧૫૨ ઈનિંગ્સમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો. બીજા નંબરે સચિન (૯૬ મેચ, ૧૫૪ ઈનિંગ્સ) છે. વિરાટ અત્યારે ૮૪ મેચોની ૧૪૧ ઈનિંગ્સમાં ૭૨૦૨ રન નોંધાવી ચૂક્યો છે. અહીં વિરાટને થોડી મુશ્કેલી થઈ શકે છે. જો તેને આ રેકોર્ડ તોડવો હોય તો સતત મોટી ઈનિંગ્સ રમવી પડશે.