ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમને ૧૦ વિકેટથી હરાવી દીધુ છે. આ જીત સાથે કેન વિલિયમસનની ટીમ બે ટેસ્ટ મેચોની સિરીઝમાં ૧-૦થી આગળ થઇ ગઇ છે. ટેસ્ટ રેંકિંગની નંબર વન ભારતીય ટીમનું મેચમાં પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું અને તે મેચના ચોથા દિવસે પ્રથમ સેશનમાં જ હારનો સામનો કરવો પડ્યો. મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પોતાના બેટ્‌સમેનોના પ્રદર્શનથી ખુબ જ નારાજ નજર આવ્યો. તેણે સાફ કહ્યું કે, બેટ્‌સમેનોનું ખરાબ પ્રદર્શન જ અમારી હારનું પ્રમુખ કારણ બન્યું. કોહલીએ કહ્યું કે, ટૉસ હારવું કોઇ મોટી વાત ન હતી. આ બેટ્‌સેમેનોનું પ્રદર્શન જ હતું જે અમારી હારનું મુખ્ય કારણ હતું.વિરાટે કહ્યું પ્રથમ દિવસે અમારી બેટિંગ ખુબ જ ખરાબ રહી અને આ કારણે જ અમે મેચમાં પાછળ રહ્યા. તેણે બોલરોના પ્રદર્શનનો બચાવ કરતા એ વાત માની કે, ન્યૂઝીલેન્ડના નીચેના ક્રમનાં બેટ્‌સમેનોએ જે ૧૨૦ રન બનાવ્યા. તે અમારા માટે ઘાતક સાબિત થયા. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ દરમિયાનના સમયે ભારતે ન્યૂઝીલેન્ડની છ વિકેટ ૨૧૬ રન પર પાડી દીધી હતી. પરંતુ પાછળના બેટ્‌સમેનોએ સારૂ પ્રદર્શન કર્યુ અને યજમાન ટીમનો સ્કોર ૩૪૮ પર પહોંચાડી દીધો. હાર્યા હોવા છતા વિરાટ કોહલીએ આશા વ્યક્ત કરી કે, આ પ્રદર્શનને ભૂલતા ભારતીય ટીમ આગામી મેચમાં સારૂ પ્રદર્શન કરશે.