(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
નોર્ટિંઘમના મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં અંતિમ દિવસે ભારતે ઈંગ્લેન્ડને ૨૦૩ રને હરાવી જીત હાંસિલ કરી હતી. ૩૨ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ભારતની સૌથી મોટી જીત હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ ટીમની જીતને કેરળના પૂરગ્રસ્ત લોકોને સમર્પિત કરી હતી. મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા પછી વિરાટે કહ્યું, સૌથી પહેલા એક ટીમ તરીકે અમે આ જીતને કેરળના પૂર પીડિતોને સમર્પિત કરીએ છીએ. આ એક પ્રયાસ છે કે જે ભારતીય ક્રિકેટ ટીમ થોડુ કંઇક અત્યારે કરી શકે છે. ખૂબ મુશ્કેલ સમયમાં કેરળના લોકો પસાર થઈ રહ્યાં છે.ભારત માટે આ જીત મોટું ટોનિક સાબિત થયું છે. જેના પર વિરાટે કહ્યું કે, શ્રેણીમાં આ જીતની ખૂબ જરૂર હતી. અમે દરેક વિભાગમાં સારૂ પ્રદર્શન કર્યું છે. આ અમારા માટે સંપૂર્ણ પરીક્ષા હતી. લોડ્‌ર્સમાં અમારૂ પ્રદર્શન ખરાબ રહ્યું હતું. અમે આ મેચમાં હાવી રહ્યાં કારણ કે બોર્ડ પર રન લટકાવવામાં સફળ રહ્યાં હતા. ત્યારબાદ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અશ્વિન ઈજાગ્રસ્ત હોવા છતાં પણ સારૂ પ્રદર્શન કર્યું છે.વિરાટે બેટ્‌સમેન અને બોલરોની પ્રશંસા કરતા કહ્યું, અમારા બોલરો ફરી ૨૦ વિકેટ ઝડપવા માટે તૈયાર હતા. અમે મને ખુશી છે કે બેટ્‌સમેનોએ આગળ આવીને જવાબદારી લીધી છે. એક બેટ્‌સમેનના રૂપમાં અમે ઈંગ્લેન્ડના બેટ્‌સમેનોની સામે મુશ્કેલ પડકાર રજૂ કર્યો હતો. મારા અને રહાણે વચ્ચે જે ભાગીદારી થઈ તે આ મેચમાં મહત્વનું યોગદાન રાખે છે. રહાણે પ્રથમ ઈનિંગમાં મન બનાવીને રમ્યો તે ગેમનો ટર્નિંગ પોઇન્ટ હતો. અમે સરળતાથી વિકેટ ન ગુમાવવાની રણનીતિ અપનાવી હતી. રહાણેએ પ્રથમ ઈનિંગ અને પૂજારાએ બીજી ઈનિંગમાં આ રણનીતિ અપનાવી હતી.