લંડન,તા.૨૮
ભારત અને એસેક્સ વચ્ચેની ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ ડ્રો થઈ ગઇ છે. પ્રેક્ટિસ મેચમાં શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાનું બેટ કમાલ ન કરી શક્યું. ગ્રાઉંડ પર રમાયેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન એસેક્સની ટીમ દ્વારા ટીમ ઈન્ડિયાની શાનદાર મહેમાનગતિ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાન પર ઉતર્યા ત્યારે સ્થાનિક કલાકારોએ તેમનું સ્વાગત કર્યું હતું.
મેચના છેલ્લા દિવસે શુક્રવારે ફરી એકવાર ટીમ ઈન્ડિયાના પ્લેયર્સનું ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ વાગતું સાંભળીને ખેલાડીઓ પોતાને રોકી ના શક્યા. સૌથી આગળ ચાલી રહેલા વિરાટે તો ભાંગડા કર્યા, ત્યારબાદ શિખર ધવને પણ પોતાના અંદાજમાં ડાન્સ કર્યો હતો.
આ અગાઉ જ્યારે ફર્સ્ટ ઈનિંગમાં બીજા દિવસે ઈન્ડિયાના પ્લેયર્સ બેટિંગ માટે આવ્યા હતા ત્યારે કલાકારોએ ઢોલ વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું.
ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં ૩૯૫ રન બનાવ્યા પરંતુ તેઓ કાઉંટીની ટીમને ૯૪ રને આઉટ કરવામાં નિષ્ફળ રહી. એસેક્સ ટીમે પહેલી ઈનિંગ ૩૫૯ રને ડિક્લેર કરીને ભારતીય બોલર્સને નિરાશ કર્યા હતા.
ભારતીય ટીમની બીજી ઈનિંગમાં ઓપનિંગ બેટ્‌સમેન શિખર ધવન બીજી જ ઓવરમાં આઉટ થયો. શિખર મેથ્યૂ ક્વિનના બોલ પર બોલ્ડ થયો. ત્રણ બોલમાં ઝીરો રન બનાવી તે આઉટ થયો. પહેલી ઈનિંગમાં પણ શિખર ઝીરો રને આઉટ થયો. ૨૩ રન બનાવીને ચેતેશ્વર પૂજારા પણ આઉટ થઈ ગયો હતો.