મુંબઇ,તા.૨૩
વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધની પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટાર બેટ્‌સમેન રોહિત શર્માનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ નહીં કરવાના કારણે પ્રશંસક ખૂબ જ નારાજ થયા છે. આ મેચમાં વિરાટ કોહલીએ રોહિત શર્માને ટીમમાં નહીં લેતા ટિ્‌વટર પર રોહિતના ફેન્સ વિરાટ કોહલી પર માછલા ધોઈ રહ્યા છે. આમ પણ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની ઓપનિંગ કોઈ ખાસ પ્રદર્શન દર્શવી શકી નથી. પૂજારા અને કોહલી પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.
કેપ્ટન કોહલીના આ નિર્ણય બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે અને એ જ કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવાયો છે. રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં છે. ફેન્સનું કહેવું છે કે કોહલી રોહિતની ઈર્ષા કરે છે અને તેથી જ તેણે તેની સાથે બદલો લેવા માટે તેને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.
કોહલીએ ટીમમાં રોહિત શર્માના સ્થાન પર હનુમા વિહારીને પ્રાથમિકતા આપી છે. ભારતીય કેપ્ટનના આ નિર્ણયથી રોહિતના ફેન્સ રોષે ભરાયા છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ ૨૦૧૯ સેમિફાઈનલમાં પરાજય મેળવ્યા બાદથી રોહિત અને કોહલી વચ્ચે મતભેદ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર રવાના થતા પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતું કે જો આ ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો અમે નંબર વન ટીમ નહીં રહી શકીએ. કોહલીએ પત્રકારોને ટીમના ડ્રેસિંગ રૂમમાં આવવા માટે પણ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે જો મારા અને રોહિત વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ હોત તો ભારતીય ટીમ આટલું સારું પ્રદર્શન ક્યારેય ન કરી શકત.