જામનગર, તા.રર
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરીથી હાર્દિક પટેલ અને પાસ સમિતિ સક્રિય બની રહ્યા છે. કોલકાતામાં યોજાયેલ મહાગઠબંધન રેલીના મંચ પરથી હાર્દિક પટેલે લાખોની જનમેદનીને સંબોધન કરી કેન્દ્રમાંથી ભાજપ સરકારને હાંકી કાઢવા હાકલ કરી હતી. હવે તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શ્રેણીબદ્ધ જાહેરસભાઓ, બેઠકોના દોર સાથે પ્રવાસ કરવા જઈ રહ્યા છે અને તેની શરૂઆત જામનગરથી થઈ રહી છે. ખેડૂતોના પ્રશ્નો અંગે તા.૮.ર.ર૦૧૯ના દીને જામનગર નજીક ઠેબા ચોકડી પાસે વિરાટ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગર શહેર જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે આ ખેડૂત સંમેલનમાં રજૂઆત કરવામાં આવશે. આ ખેડૂત સંમેલન અને હાર્દિક પટેલની જાહેરસભાને સફળ બનાવવા પાસ સમિતિના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લાના ગામડાઓ ખૂંદી રહ્યા છે અને ખાટલા બેઠકો યોજી ખેડૂતોને-ગ્રામ્યજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરી રહ્યા છે. પાસ સમિતિના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠેબા ચોકડી પાસેનું ખેડૂત સંમેલન ઐતિહાસિક બની રહેશે અને તેમાં અંદાજે એકાદ લાખ ખેડૂતો ઉપસ્થિત રહેવાની ધારણા છે.આ સંમેલનમાં પાસ સમિતિ અને ખેડૂતો દ્વારા આગામી કાર્યક્રમોની રણનીતિ નિર્ધારીત કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા જ હાર્દિક પટેલના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાવાની જાહેરાત થતાં જ રાજ્ય સરકાર અને ભાજપ દ્વિધામાં મૂકાઈ ગયા છે.