અમરેલી, તા.૧૭
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કરન્સી માર્કેટમાં હસ્તક્ષેપ કર્યો તેથી ભારતીય રૂપિયો હાલ પૂરતો નબળો પડતો અટક્યો છે પરંતુ દેશ-વિદેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓના મત મુજબ દેશના જુદા-જુદા ઔદ્યોગિક ગૃહો અને જુદી જુદી કંપનીઓએ વિદેશોમાંથી શોર્ટ ટર્મ (ટૂંકી મુદ્દતની) લોનો લીધી છે. તેની ચૂકવણી કરવાની નોબત આવશે ત્યારે ભારતીય રૂપિયો એકદમ ઝડપથી નવી નીચી સપાટીએ ઉતરી આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એમ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું છે.
વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે મહિનામાં કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા તેમજ ક્રૂડના ભાવો વધતા દેશના વિદેશી મુદ્રા ભંડારમાં પીક લેવલેથી ર૦ અરબ ડોલરનો ખાસ્સો નોંધપાત્ર ઘટાડો થયો છે અને એટલે રૂપિયાને વધુને વધુ તૂટતો બચાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને કરન્સી માર્કેટમાં ડોલર વેચવાની ફરજ પડી છે અને એવું કહેવાય છે કે રિઝર્વ બેન્કે કરન્સી માર્કેટમાં બીજા ર૦ અરબ ડોલરનું ફોરવર્ડ વેચાણ પણ કર્યું છે.
ઠુંમરે એમ પણ જણાવ્યું કે, દેશના વિવિધ ઔદ્યોગિક ગૃહો અને કંપનીઓએ અંદાજે રરર અરબ ડોલર જેટલી શોર્ટ ટર્મ લોનો લીધેલી છે. જે દેશના વિદેશી મુદ્રા ભંડારના અડધા ઉપરાંત છે. આ ભારતીય ઔદ્યોગિક ગૃહો અને કંપનીઓએ વિદેશોમાંથી ઓછા વ્યાજ દરે શોર્ટ ટર્મ લોનો લીધી છે. તેમાંથી કેટલાક ઔદ્યોગિક ગૃહો અને કંપનીઓ એવી છે કે જેણે હેજિંગ કર્યું હતું અને અન્ય લોકોએ તેના ચૂકવણા માટે ઓક્સપોર્ટ ઈન્કમ ઉપર જુગાર ખેલ્યો હતો. આમાંથી કંઈક કંપનીઓની પ્રોફેટેબિલિટીમાં ડોલરની સામે રૂપિયાનું સ્તર નીચે જવાથી ઘટાડો થવાનો ખતરો ઊભો થયો છે.
ઠુંમરે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં ક્રૂડના ભાવમાં વધારો, વિદેશી પોર્ટફોલિયાના રોકાણમાં ઘટાડો અને શોર્ટ ટર્મ લોન ચૂકવવા માટે ડોલરની માંગમાં વધારો થવાથી આગામી સમયમાં ડોલર સામે રૂપિયો આત્યંતિક નબળો પડીને ૭રની સપાટીને સ્પર્શે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ક્રૂડના ભાવ બે વર્ષ પહેલાના નીચલા સ્તરથી ૯૦ ટકા વધ્યા છે. તેથી ભારતનો આયાત ખર્ચ વધી રહ્યો છે. કેમ કે ભારત તેની કુલ જરૂરિયાતના ૮૩ ટકા ક્રૂડની આયાત કરે છે.