(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓલટાઈમ હાઈ જવાથી મોંઘવારી વધી રહી છે. જેથી ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ચોકબજારની ગાંધી પ્રતિમાંથી અઠવાગેટના ચોપાટી સુધી પગપાળા રેલીનું આયોજન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં દરરોજ થઈ રહેલા વધારાના વિરોધમાં આજે સુરત શહેર કોંગ્રેસ કમિટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેથી ચોકબજારની ગાંધી પ્રતિમાંથી કોંગ્રેસની રેલી શરૂ થઈ હતી.જે અઠવાગેટ ચોપાટી સુધી પહોંચી હતી. રેલી દરમ્યાન ઉંટગાડી, ઘોડાગાડી, બગ્ગીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.પેટ્રોલ પંપ પર પેટ્રોલ નાંખવાનું મશીનનો પણ રેલીમાં લઈ આવ્યા હતા. પેટ્રોલની કિંમતમાં થઈ રહેલ વધારો સહન ન થતા એક્ટીવા સ્કૂટરને ઊંટગાડી ઉપર ચડાવીને રેલીમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેલીમાં નૈષધ દેસાઈ સાયકલ સાથે હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગળામાં બેનર લગાવી મોદી તેરે રાજ મે દારૂ સસ્તા ઓર તેલ મહેંગા જેવા શબ્દ પ્રયોગ કરી પેટ્રોલની કિંમતમાં થઈ રહેલ વધારાનો આકરો વિરોધ કર્યો હતો. આજની રેલીમાં શહેર કોંગ્રેસ અધ્યક્ષ હસમુખ દેસાઈ, મનપાના વિપક્ષી નેતા પપન તોગડીયા, કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો રેલીમાં હાજર રહ્યા હતા.