(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સુરત મહાનગર પાલિકામાં સફાઇ કામદારો છેલ્લાં કેટલાંક મહિનાઓથી પોતાની પડતર માંગણીઓને લઇને લડત ચલાવી રહ્યાં છે. અવાર નવાર પાલિકાના અધિકારીઓને આવેદનપત્ર આપી પોતાની રજૂઆતો કરી તેનો ઉકેલ લાવવાની માંગ કરી હતી. પરંતુ તેમની રજુઆતો ફરી એકવાર કાને ન ધરાતા મોટી સંખ્યામાં કામદારો મંગળવારે મનપા કચેરીની બહાર મોરચો લઇને આવી પહોંચ્યા હતા અને સુરત મહાનગર પાલિકાનો ઘેરાવો કરી વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ રસ્તા પર બેસી જતાં ટ્રાફીકજામની સમસ્યા સર્જાઇ હતી. કામદાર સંગઠને મનપા કમિશ્નરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સંદર્ભે રજુઆત કરી હતી.
સુરત મનપા કચેરી બહાર વિવિધ માંગણીઓ સાથે મંગળવારે સફાઈ કામદારોએ મોરચો કાઢ્યો હતો. કામદારોની માંગણી હતી કે હાજરી માટે બાયોમેટ્રિક્સ પદ્ધતિ જે અમલમાં લાવવામાં આવે છે તેને નાબૂદ કરવામાં આવે. કારણ કે દૂરથી આવતા કર્મચારીઓ માટે તે શક્ય બનતું નથી. સફાઈ કર્મીઓએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો. સફાઇ કામદારોએ રસ્તા પર બેસી ધરણાં કરતા થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સમસ્યા ઊભી થઇ હતી. કર્મચારીઓની માંગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં તેઓએ ભૂખ હડતાળ સુધીની ચીમકી પણ ઉચ્ચારી છે. આ ટ્રાફીકજામ થતાં જ લાલગેટ પોલીસ દોડી આવી હતી. પોલીસે રસ્તા પર બેસી ગયેલા કર્મચારીઓને સમજાવીને મામલો થાળે પાડ્‌યો હતો, અને કામદાર સંગઠને મનપા કમિશ્નરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી હતી.