(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
આવતીકાલે સોમવારથી સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે વિપક્ષી દળો દ્વારા ગૌહત્યાના જાહેરનામાનો મુદ્દો રજૂ કરી તેની સરકાર પાસે સ્પષ્ટતા માંગે તેવી સંભાવના છે. તમામ વિપક્ષી દળોએ સંયુક્તરીતે સરકાર સામે ગૌરક્ષકો દ્વારા કરાતી હત્યાઓ, કાશ્મીરની સ્થિતિ અને ચીન સાથેના સરહદી વિવાદને ગરમજોશીથી ઉઠાવશે. સંસદનું સત્ર ૧૭ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. તે દરમિયાન ગૃહમાં ઉપરોકત મુદ્દે ગરમાગરમ ચર્ચાઓ થશે. આ ઉપરાંત વિપક્ષો જીએસટી મુદ્દે, ખેતજમીન મુદ્દે તેમજ પાકિસ્તાન સાથેની નીતિ વિશે પણ સરકારને ઘેરશે. એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ કહ્યું કે અમે સંસદમાં દેશના મહત્ત્વના પ્રશ્નો અંગે સરકાર પાસે જવાબ માંગીશું. જે દેશની સામાજિક એકતા માટે ધમકીરૂપ બન્યા છે. સીપીઆઈના ડી.રાજાએ કહ્યું કે વિપક્ષો સરકાર પાસે જવાબ માંગશે કે ગૌરક્ષકો દ્વારા વધતી જતી હિંસા અને રહેંસી નાંખવાના બનાવો અંગે સરકારે શું પગલાં લીધા. જે બનાવો સામાજિક એખલાસને ડહોળી રહ્યા છે તેમજ ભારતની વિચારધારાને ઝેરી બનાવી રહ્યા છે. સરકાર ર૦ મહત્ત્વના બિલો મંજૂર કરાવવા માટે વિપક્ષોના સહકારની અપેક્ષા રાખે છે. જે ર૦ બેઠકો બાદ મંજૂર થાય તેવી શક્યતા છે. સંસદના બન્ને ગૃહો તેમના ગૃહના ચાલુ સભ્યોના અવસાન અને શોક વ્યકત કરી શ્રદ્ધાંજલિ અર્પી મુલત્વી રહેશે. રાજ્યસભા સાંસદ અને પૂર્વ પર્યાવરણથી અનિલ માધવ દવે અને કોંગ્રેસના પલાવી રેડ્ડીનું અવસાન થયું છે. જ્યારે પંજાબની ગુરદાસપુર બેઠકના લોકસભાના સભ્ય વિનોદ ખન્નાનું પણ અવસાન થયું છે. બીજી તરફ સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે. કોંગ્રેસે સંસદમાં રણનીતિ માટે પક્ષની વ્યૂહરચના ઘડી કાઢી હતી. વિપક્ષો બીજા દિવસે સંયુક્ત બેઠક કરી વ્યૂહરચના ઘડી કાઢશે. સરકારે કહ્યું છે કે વિપક્ષો જે મુદ્દા ઉઠાવશે અને ચર્ચા ઈચ્છશે તો તેમને ચર્ચા માટે સમય અપાશે. તેમ સંસદીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાનની મુલાકાત પણ ચર્ચાનો વિષય બનશે. સરકાર જે બિલ સંસદમાં રજૂ કરનાર છે તેમાં ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (એમેન્ડ મોટર બિલ) ર૦૧૭, અસ્થાયી મિલકતોનું સંપાદન અને જપ્તી બિલ-ર૦૧૭, આર્કિયોલોજી સાઈટસ એન્ડ રિમેન્સ (એમેન્ડમેન્ટ બિલ) ર૦૧૭ આ ઉપરાંત બાળકો માટે ફરજિયાત અને મફત શિક્ષણ બિલ-ર૦૧૭, મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ બિલ-ર૦૧૭, ફૂટવેર ડિઝાઈન અને ડેવલોપમેન્ટ ઈન્સ્ટીટયુટ બિલ-ર૦૧૭ લોકસભામાં રજૂ થશે. આ ઉપરાંત રાજ્યસભામાં પણ સંખ્યાબંધ બિલોની ચર્ચા થશે. જેમાં નેશનલ બેકવર્ડ કમિશન બિલ, લેબર કોડ બિલ, એડમિરેટલી (જ્યુરીડિકશન એન્ડ સેટલમેન્ટ બિલ-ર૦૧૭)નો સમાવેશ થાય છે. વ્હીસલ બ્લોવર પ્રોટેકશન બિલ-ર૦૧પ જે રાજ્યસભામાં પડતર છે તેની પણ ચર્ચાનો સંભવ છે.