(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧
શહેરના અઠવાલાઈન્સ ખાતે આવેલી વનિતા વિશ્રામ સ્કૂલમાં વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતા વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધના પગલે પોલીસ દોડી આવી હતી અને વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે ત્યારબાદ મામલો થાળે પડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અઠવાલાઈન્સ સાથે આવેલી વનિતા વિશ્રામ શાળામાં થોડા દિવસો પહેલાં ફી વધારાને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ પણ ભાડામાં વધારો કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. જેથી સોમવારે સ્કૂલ બંધ રાખવાનું વાલીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. સોમવારે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે એકઠાં થયા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસથી અળગા રાખવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન એક રિક્ષાને રોકવા જતા વાલી પર રિક્ષા ચડાવી દેવાના પ્રયાસનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસની નજર સામે આ ઘટના બની હોવા છતા કંઈ કાર્યવાહી ન કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું. જોકે, ત્યારબાદ મામલો થાળે પડી ગયો હતો. જોકે, વાલીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓ જતાં નજરે પડયા હતા. છેલ્લાં ૧૦ દિવસથી ચાલી રહેલા વિરોધના પગલે તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.