(એજન્સી) ગ્વાલિયર, તા.૩
૪ સપ્ટેમ્બરના રોજ ગ્વાલિયરમાં એસસી-એસટી એક્ટમાં સુધારાના વિરૂદ્ધમાં ઉચ્ચ અને પછાત જાતિઓનું પ્રતિનિધિત્વ કરતી ડઝનથી વધુ સામાજિક સંસ્થાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે, ર એપ્રિલના રોજ દલિત મહાબંધ દરમિયાન ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં મોટા પાયે હિંસા ભડકી ઊઠી હતી. આ કાયદાના દુરૂપયોગનો આરોપ મૂકતા વિરોધના આયોજકોમાંના એક મનમોહન શર્માએ કહ્યું કે, કેન્દ્રના આ નિર્ણયે ભાઈચારા અને સામાજિક સ્થિરતાના વાતાવરણને પ્રદૂષિત કર્યું છે. કરણી સેના, પરશુરામ સેના, જાટ મહાસભા, પ્રજાપતિ સમાજ, વૈશ્ય સમાજ, ક્ષત્રિય મહાસભા, યાદવ મહાસભા, ગુર્જર મહાસભા સહિત વિવિધ સંસ્થાઓએ આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. સંસ્થાઓએ સંયુક્ત રીતે રાજકીય પક્ષોને ધમકી આપી છે કે, જો આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં તેમને ખરાબ પરિણામો ભોગવવા પડશે. પ્રદેશમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા જઈ રહેલ શાસક પક્ષ ભાજપના નેતાઓએ આ મુદ્દે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.