નવી દિલ્હી, તા. ૧૮
હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં પ્રચારથી લઇ ઉમેદવારોની પસંદગી મામલે આગળ દેખાતા ભાજપે પાછા પગલાં લીધા છે. વિરોધના ભયથી પાર્ટીના ઉમેદવારોની યાદી પાછલા પાંચ દિવસથી અટકી પડી છે. ૧૪મી ઓક્ટોબરના રોજ પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સંપન્ન થઇ હોવા છતાં અત્યારસુધી હિમાચલ ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની યાદી સામે આવી નથી. પાર્ટી હાઇકમાન્ડને જુના વરિષ્ઠ નેતાઓના વિરોધની આશંકા સતાવી રહી છે. ભયની સ્થિતિ એ છે કે, ઉમેદવારોની યાદી જારી કર્યા વિના જ પાર્ટી અધ્યક્ષે ઘણા ઉમેદવારોને છાના પગલે સિમ્બોલ આપવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે આશરે બે ડઝન જેટલા ઉમેદવારોને પ્રદેશ અધ્યક્ષ તરફથી સિમ્બોલ આપી દેવામાં આવ્યા છે.
ભાજપને બળવાનો ભય એ માટે સતાવી રહ્યો છે કારણ કે, પેઢીગત ફેરફારના ક્રમમાં ઘણા પૂર્વ ધારાસભ્યોના નામ ઉમેદવારોની સંભવિત યાદીમાંથી ગાયબ છે. જ્યારે આ વખતે પાર્ટીના પક્ષમાં વાતાવરણ જામતું જોઇ આ પૂર્વ ધારાસભ્યોએ જોરદાર રીતે પોતાની તૈયારીઓ કરી રાખી છે. આવા સમયે ધારાસભ્યોએ બળવાના સંકેત પણ આપી દીધા છે. બીજી તરફ પ્રદેશ ભાજપના બંને વરિષ્ઠ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલ અને શાંતાકુમારની નારાજગીએ પાર્ટીના ચૂંટણી અભિયાનનું સ્વાદ બગાડી નાખ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધૂમલ અને શાંતા બંને નેતા ટિકિટ વહેંચણીની પ્રક્રિયાને લઇ નારાજ છે. તેમના સમર્થકોને કોરાણે મુકી પાર્ટીએ સંઘ અને એબીવીપી સાથે જોડાયેલા નેતાઓને મોટા પ્રમાણમાં ઉમેદવાર બનાવવાનું નક્કી કર્યું છે. જોકે, ભાજપ મોવડી મંડળ અત્યારથી જ ડેમેજ કંટ્રોલમાં જોતરાઇ ગયું છે. નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને સોંપવામાં આવી છે. દરમિયાન નડ્ડા હિમાચલ પહોંચીને શાંતાને મળ્યા હતા પરંતુ તેઓથી શાંતા માન્યા નથી તેમ કહેવાઇ રહ્યું છે. હાઇકમાન્ડ તેમના પ્રભુત્વવાળા વિસ્તારમાં ટિકિટની માગણી સંતોષશે તો જ તેઓ માનશે તેમ માનવામાં આવી રહ્યું છે.