કોડિનાર, તા.૯
કોડિનાર નજીક વિસ્ફોટક પદાર્થ સાથે ગીર-સોમનાથ એસ.ઓ.જી. ટીમે બે શખ્સોને પકડી પાડી કોડિનાર જેલ હવાલે કર્યા છે.
આ ઘટના અંગે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સામજીભાઈ ટાંકે કોડિનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગીર-સોમનાથ એસ.ઓ.જી.ના પી.આઈ. તથા સ્ટાફ કોડિનાર-ઉના હાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોટી ફાફણી ગામેથી મોટરસાઈકલ ઉપર બે શખ્સો વિસ્ફોટક પદાર્થો સાથે આવી રહ્યાની ખાનગી બાતમી મળતા એસ.ઓ.જી. ટીમે કોડિનારથી ૧૪ કિ.મી. દૂર વેળવા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ મોટરસાયકલ નં. જી.જે. ૧૧ એ.પી.૧૮૯૧ને રોકાવી તપાસ કરતા મનુ ભીખાભાઈ કોળી (ઉ.વ.૧૯) રહે. ઓલવાડ, તા. ઉના) અને ભીમા જેસા પામક (રહે. મોટી ફાફણી, તા. કોડિનાર)ને તેમની પાસે રહેલ બાચકામાંથી ગેરકાયદે એક્સપ્લોઝીવ વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક નંગ-૭૦, ઈલેકટ્રીક ડીટોનેટર (કેપડી)નંગ ૩૦ જે પદાર્થો વિસ્ફોટ થાય તે રીતે જાહેરમાં હેરાફેરી કરતા પકડી પાડી ઈ.પી.કો. કલમ-ર૮૬ સ્ફોટક અધિનિયમ ૧૯૮૯ની કલમ-૯ બી(૧) અને ૧૯૦પની પ(એ) મુજબ ગુનો નોંધી કુલ રૂા.રર,પ૦૦ના મુદ્દામાલ સાથે બંને શખ્સોને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.