અમદાવાદ, તા.૧પ
ગુજરાતમાં જેલમાં બેઠા-બેઠા ખંડણીનું નેટવર્ક ચલાવતા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી સહિતની ગેંગનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી દીધો છે. તેમજ ગોસ્વામી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે ગુજરાતમાં પ્રથમવાર ગુજસીટોકના નવા કાયદા અંતર્ગત પ્રથમ ગુનો ગોસ્વામી ગેંગ સામે નોંધવામાં આવ્યો છે.
રાજ્યમાં ગુજસીટોક કાયદો ગત ડિસેમ્બર મહિનામાં લાગુ કરવામાં આવ્યો જે બાદ આજે પહેલીવાર આ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખ્સની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી ખંડણી અને ધમકીનાં ફોનની ઘટનાઓ સામે આવી રહી હતી. પોલીસે જણાવ્યું કે, વિશાલ ગોસ્વામી જેલમાંથી બેઠાબેઠા આ નેટવર્ક ચલાવી રહ્યો હતો. વિશાલ સામે અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ૫૧ ગુના નોંધાઈ ચુક્યા છે. વિશાલના સાગરિતો જેલમાંથી જેવા છુટ્યા કે તેણે જેલમાંથી બેઠાબેઠા આ ગોરખ ધંધો શરૂ કરી દીધો હતો.
ક્રાઇમ બ્રાન્ચના ખાસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે,“ વિશાલ ગોસ્વામી સામે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશમાં ૫૧ જેટલા ગુના નોંધાયેલા છે. વિશાલ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં સાત વર્ષની સજામાં જેલમાં છે. ગુજસીટોક કાયદા હેઠળ વિશાલ ગોસ્વામી અને તેના સાથીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુપ્ત બાતમી, ઇલેક્ટ્રોનિંગ પુરાવા, સીડીઆર વગેરે આ ગુના હેઠળ માન્ય રાખવામાં આવે છે. અમને મળેલા પુરાવા આધારે કાર્યવાહી થશે. આ કાયદા હેઠળ મિલકતો જપ્ત કરવામાં આવશે. ”
અજય તોમરે વધુમાં જણાવ્યું કે જેલમાંથી ૨ એન્ડ્રોઇડ ફોન અને એક સાદો ફોન મળ્યો છે અને ગેંગના ચાર સભ્યો પાસેથી ૨૦ એન્ડ્રોઇડ ફોન મળી આવ્યા છે. જેલમાં જેમણે લાપરવાહી દાખવી હશે તેમના સામે પૂરતી કાર્યવાહી કરવામાં આવશે.
સ્પેશિયલ કમિશનરે જણાવ્યું હતું કે ‘ આ ગેંગની બિવડાવાની મોડ્‌સ ઓપરેન્ડી હતી. તેઓએ ફરિયાદીને રસ્તામાં રોકી અને હથિયારથી ડરાવ્યો હતો. ત્યારબાદ તેને ફોન આવવા લાગ્યા કે પૈસા આપી દેજો નહીંતર અમારા માણસો તને મારી નાંખશે. જોકે, કોઈ પણ વેપારીએ આ પ્રકારની ધમકીથી ડરવાની જરૂર નથી.
આ ગુનામાં ઇલેક્ટ્રોનિક પુરાવા માન્ય ગણાય છે ત્યારે તેમની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તપાસ કરતા પુરાવા મળશે ત્યારબાદ એવી શક્યતા છે કે ધમકી આપી હોય તેવા વેપારીઓની સંખ્યા વધારે થઈ શકે છે. હું તમામ વેપારીઓને અપીલ કરું છું કે જોઈ કોઈને વિશાલ ગોસ્વામી ગેંગની ધમકી મળી હોય તો આગળ આવે પોલીસ મદદ કરશે.

ગેંગના ચાર સભ્યો હથિયાર સાથે પકડાયા
ક્રાઈમ બ્રાન્ચે મેઘાણીનગરથી પકડેલા વિશાલ એન્ડ ગેંગના અરોપીઓમાં બિજેન્દ્ર ઉર્ફે ધીરજ રામેશ્વરપુરી ગોસ્વામી, અનુરાગ ઉર્ફે ટાઈગર સુરેન્દ્રપુરી ગોસ્વામી, જયપુરી ઉર્ફે જય રવિન્દ્રપુરી ગોસ્વામી અને સુરજ પ્રિતમપુરી ગોસ્વામીને ર૦ નંગ મોબાઈલ, એક પિસ્તલ, ૪૦ નંગ કારતૂસ સાથે પકડી પાડયા હતા.

વિશાલ એન્ડ ગેંગની વાતચીત
જરા ઉસ કે વહાં જા કે પ૦ હજાર લે લેના : વિશાલ
રર ડિસેમ્બર, ૨૦૧૯
વિશાલ ઃ ઉઠ ગયા
સુરજ ઃ હા
વિશાલ ઃ જરા જા ઉસકે વહા
સુરજ ઃ જાતા હું
વિશાલ ઃ ૫૦ હજાર લે લેના**** સે
સુરજ ઃ લેટ જાઉ તો ચલે
વિશાલ ઃ ફોન કર લેના
સુરજ ઃ ઠીક હૈ
૨૧ ડિસેમ્બર, ૨૦૧૯
બિજેન્દ્ર ઃ હેલ્લો
વિશાલ ઃ ફોન આયા કોઈ
બિજેન્દ્ર ઃ બોપલ સે આયા થા ૨૫, દુસરા
વિશાલ ઃ ઔર દો બજે કલ ઘર ગયે થે વહા ભેજ દેના
બિજેન્દ્ર ઃ પહેલે બોપલ ભેજુ કે વહા ભેજુ
વિશાલ ઃ કહી ભી ભેજ, ૫૦ વહા સે લે લેના ઔર ૨૫ વહા સે લે લેના ઔર સન્ડે કો આયેંગે ૨૫
બિજેન્દ્ર ઃ ઠીક હૈ
૨૫ ડિસેમ્બર, ૨૦૧૯
વિશાલ ઃ કલ શામ કો પૈસે આયે થે? ૫૦,૦૦૦
બિજેન્દ્ર ઃ નહિ આયે ભાઈ, સુબહ ૨૫૦૦૦ આયે
વિશાલ ઃ મેં બોલતા હું દુસરા એક ૧૦૦૦૦/અવિનાશ કો ફોન કર કે ભેજ દેના
બિજેન્દ્ર ઃ ઠીક હૈ
૨૫ ડિસેમ્બર, ૨૦૧૯
બિજેન્દ્ર ઃ અજયભાઈ આંગડિયા વાળાને ફોન કરીને કહેજો કે બિજેન્દ્રભાઈના નામે આપી દે
અજય ઃ મેં સંજયભાઈના નામે કરાવ્યું છે અને તમારો નંબર આપ્યો છે
બિજેન્દ્ર ઃ મારી નિકનેમ છે સંજયભાઈ, તમે માધુપુરા નખાવ્યા હોત તો ત્યાં મારે આઈડીની જરૂર નથી
અજય ઃ મને એવુ કીધું કે માધુપુરા રમેશ કાંતિ નથી.
બિજેન્દ્ર ઃ દરિયાપુર હશે
અજય ઃ સંજયભાઈ, આગળ મેસેજ આપી દીધો છે અંદર
બિજેન્દ્ર : હા આંગડિયામાં વાત કરાવું?
૬ જાન્યુઆરી, ૨૦૨૦
બિજેન્દ્ર ઃ અસર ખરાબ જાયેગા કી ઉસને કામ કરકે નહીં દિયા ઈસલિયે
વિશાલ ઃ તુ દેખ લે પતા નહિ ક્યા હૈ ક્યા નહિ
બિજેન્દ્ર ઃ બોલ રહા હું ભાઈ ખર્ચા હોગા, કરના પડેગા, અભીતક કોઈ બોલા નહીં…વકીલો કો ભી પૈસા દે દીયા ઔર યે પૈસા દીયા હી હૈ મેરે સામને ૩,૫૦,૦૦૦ દિયા હૈ ઉસકો
વિશાલ ઃ તે સામને દિયા તો બોલા નહિ
બિજેન્દ્ર ઃ કયા બોલુ ફોન ઉઠાવે તો બોલુને** ઘર પે નહીં મિલ રહા હૈ
વિશાલ ઃ સોદા પાડ દો ફિર
બિજેન્દ્ર ઃ સોદા તો પડ ગયા હૈ, સોદે મેં તો કોઈ તકલીફ નહીં હૈ, એકાદ દિન મેં પીસી પટેલ કો ડાયરેક્ટ બાત કર લેની થી, ઉપર કે પૈસેસ ઉસ હિસાબ સે મેં બોલુ જબ
વિશાલ : ઠીક હૈ
બિજેન્દ્ર ઃ એકાદ દિન મેં રાજીખુશી બાત કર લો ને, બાદ કી બાત બાદ મેં
વિશાલ ઃ …..
બિજેન્દ્ર ઃ તો ક્યા હૈ, ઉસસે થોડા ફર્ક પડેગા, તુમ ઉસકો દે દોગેને…કી ભાઈ હમ બેઠે હૈ ટેન્શન મત કરો
વિશાલ ઃ હ હ
બિજેન્દ્ર ઃ પીછે કે સોદે કે લીયે તો ૧,૨ સીઆર તો ફોન કરને પે રેડી હો જાયેગા, માલુમ હૈ તુમ્હે
વિશાલ ઃ હ હ
બિજેન્દ્ર ઃ …. …. રેડી હો જાયેગા, ઈતના ફટ્ટુ હૈ
વિશાલ ઃ બોલતા હું

ચારેય આરોપીઓના ૨૪મી સુધીના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ
અમદાવાદમાં કુખ્યાત અને ખૂંખાર ખંડણીખોર વિશાલ ગોસ્વામી અને તેના સાગરિતો સામે ગુજકોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર સભ્યોની મેઘાણીનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ બિજેન્દ્ર ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને સુરજ ગોસ્વામીને સેશન્સ કોર્ટમાં રજૂ કરી ગુજસીટોકની કલમો હેઠળ ૩૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે ચારેય આરોપીઓના ૨૪મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે.

ખંડણીખોર ગેંગ ટાર્ગેટ શોધીને ધમકી આપતી હતી
આ ગેંગ ટાર્ગેટ શોધી અને તેની આર્થિક સ્થિતિનો તાગ મેળવતા હતા અને ત્યારબાદ તેમને ધમકી આપતા હતા. પોલીસ પાસે સીડીઆર સાથે ઇન્ટરસેપ્શન પણ છે. આ તમામ બાબતોને પણ પુરાવા તરીકે જોડવામાં આવશે. વિશાલ ગોસ્વામીની ક્રાઈમ કુંડળીમાં કચ્છની બીઓબી બ્રાંચમાં ફાયરિંગ કરી ૧૨ લાખની લૂંટ, ઘાટલોડિયામાં નંદ જ્વેલર્સના માલિક પર ફાયરિંગ અને લૂંટનો પ્રયાસ, વસ્ત્રાપુરમાં પ્રકાશસોનીને ગોળી મારી મોત નીપજાવી લૂંટ કરી, નવરંગપુરામાં ભાનુ જ્વેલર્સના માલિકો પર ફાયરિંગ, સોલામાં પ્રકાશ પટેલ પાસેથી ૧૦ લાખની ખંડણીની માગી, સોલામાં બાઈક પર આવી ફાયરિંગ કરી ૩.૫૦ લાખની લૂંટ, ઘાટલોડિયામાં પંકજ સોનીની હત્યા અને ૨.૫૦ લાખની લૂંટ, વેજલપુરમાં મધુવન કોમ્પ્લેકસમાં મુથ્થુટ ફાયનાન્સમાં લૂંટનો પ્રયાસ, વટવાની પીપળજ એડીસી બેંકમાં ફાયરિંગ કરી રૂા.૫.૫૦ લાખની લૂંટ સહિત પ૧ જેટલા ગુના નોંધાયેલા છે.