માંગરોળ, તા.૧૮
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં તેમજ આતંકવાદી સામે આખા દેશે એકસંપ થઇને પોતાનો આક્રોશ વ્યકત કર્યો છે. ત્યારે માંગરોળ નગરજનોએ પણ આતંકવાદીઓ અને તેને પોષનારાઓને જડબાતોડ જવાબ આપી જડમૂળથી ખતમ કરવાની માંગ કરી છે.
જૂનાગઢના માંગરોળમાં ભારે આક્રોશ સાથે રવિવારે સાંજના શહીદ વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે લીમડા ચોક સ્થિત મુરલીધર વાડીમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક ધર્મના લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને આ ઘટનાને સખત રીતે વખોડી હતી અને પોતાનો રોષ વ્યકત કર્યો હતો અને શહીદોના પરિવારને પાંચ લાખ રૂપિયાનું દાન આપી તેમના પરિજનોના દુઃખમાં સહભાગી બન્યા હતા. આ સાથે જ સોમવારે એક વિશાળ રેલી અને ત્યારબાદ બંધનું એલાન આપ્યું હતું.
જેના પગલે સોમવારે સવારે ૧૧ વાગ્યે શહેરની મોટા ભાગની સ્કૂલો અને મદ્રેસાના વિદ્યાર્થીઓ તેમજ તલબાઓ હજારોની સંખ્યામાં ટાવર ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયા હતા. જ્યાંથી અલગ-અલગ બેનરો અને રાષ્ટ્રધ્વજો સાથે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ, તલબાઓ અને દરેક ધર્મના લોકો સાથે જોડાઈને વિશાળ રેલી યોજી હતી. હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ઈન્કલાબ જિંદાબાદ, વીરજવાનો આગે બઢો હમ તુમ્હારે સાથ હે, ના સુત્રોચ્ચાર સાથે ટાવર ગ્રાઉન્ડથી નીકળેલી રેલી મામલતદાર કચેરી પહોંચી હતી. રેલીની વિશાળતા એટલી હતી કે તેનો એક છેડો જેલ ઝાપા પાસે હતો જ્યારે બીજો ટાવર ગ્રાઉન્ડ પાસે વિશાળ રેલીથી મામલતદાર કચેરીનું વિશાળ ગ્રાઉન્ડ ખચોખચ ભરાઈ ગયું હતું. મામલતદાર ખાતે માંગરોળના મેરામણભાઈ યાદવ, યુસુફભાઈ પટેલ, પરસોતમ ખોરાવા, હનીફભાઈ પટેલ, મો. હુસેન ઝાલા, સંભૂભાઈ (મોટા ભાઈ), મૌલાના ઈબ્રાહીમ કરૂડ, અ.રજાક ગોસલિયા સહિતના હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ સાથે મળીને આવેદનપત્ર આપી આ નાપાક કૃત્યુ કરનારાઓનો સફાયો કરવાની માંગ કરી હતી. આ સાથે જ બપોરના ૧૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી શહેરના હિન્દુ-મુસ્લિમ તમામ વિસ્તારોમાં લોકો સ્વયંભૂ રીતે તમામ પ્રકારના વેપાર ધંધા અને દુકાનો સદંતર રીતે બંધ કરી દેતા શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો.