(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
જિલ્લામાં સિંચાઈ આધારિત ખેતી માટે ૬૫ દિવસના રોટેશન મુજબ પાણી આપવાનો નહેર ખાતા દ્વારા ઈન્કાર કરવામાં આવતા આજે ખેડૂતોએ વિશાળ રેલી યોજી સિંચાઈ વિભાગના અધિક્ષકને રજૂઆત કરવામાં હતી.
આ વર્ષે તાપી નદીના ઉપરવાસમાં ચોમાસુ નબળુ રહેતાં ઉકાઈ ડેમમાં જળસપાટી ઓછી નોંધાઇ હોવાનું જણાવી સિંચાઈ માટે પાણી નહીં છોડાવવાનો નિર્ણય સિંચાઈ વિભાગે લીધો છે. જિલ્લાના ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, ચોર્યાસી તાલુકાના ખેડૂતો નહેરના પાણીના આધારે શાકભાજીની ખેતી કરે છે. શેરડી અને કેળાની ખેતી માટે પાણી છોડવા માટે સિંચાઈ વિભાગે ઈન્કાર કરી દીધો છે. ખેડૂત સમાજ દ્વારા ૧૧૦ દિવસના રોટેશન મુજબ પાણી છોડવા માટે રજૂઆત કરી હતી. સિંચાઈ વિભાગ ૬૫ દિવસના રોટેશન મુજબ પણ પાણી છોડવા માટે અસમર્થતા દાખવી હતી. ખેડૂત સમાજે સિંચાઈ વિભાગને રજૂઆત કરી હતી કે ઉકાઈ ડેમમાં આજની તારીખે જેટલી જળસપાટી છે. તેનાથી સમગ્ર દક્ષિણ ગુજરાતની પીવાના પાણીની અને સિંચાઈની જરૂરીયાત સંતોષી શકાય છે. સરકાર ખેડૂતો ઉપર કાપ મુકીને ઉદ્યોગને પાણી આપવા માંગે છે. તેના વિરોધમાં આજે ખેડૂત સમાજ રેલી કાઢીને સિંચાઈ અધિક્ષકને રજૂઆત કરી ખેડૂત સમાજના અગ્રણી નેતા જયેશ પટેલ (દેલાડ), જયેશ પટેલ (પાલ), દર્શન નાયક સહિત દરેક તાલુકાના ખેડૂત અગ્રણીઓ ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી સિંચાઈ અધિક્ષકને નહેર દ્વારા પાણી છોડવા માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.