(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
હાઈકોર્ટે વિસ્મયની સજા રદ કરવાની માગણી ફગાવી છે તો નીચલી કોર્ટે વિસ્મયને ફટકારેલી પાંચ વર્ષની સજા યથાવત્‌ રાખી છે. વિસ્મય શાહને ચારથી છ અઠવાડિયામાં સરેન્ડર કરવા પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે તો વળતરનો મુદ્દો કોર્ટને નિર્ણયાધીન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અરજીનાં વિરૂદ્ધ રજૂઆત કરવામાં આવી હતી કે, આ અગાઉ પણ વિસ્મય ડ્રન્ક એન્ડ ડ્રાઈવના ગુનામાં દોષિત પૂરવાર થઈ ચૂક્યો છે અને આ હિટ એન્ડ રનના ગુના બાદ પણ તે દારૂની મહેફિલ માણતા પોલીસ રેડમાં રંગે હાથ ઝડપાયો હતો.
બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે કોર્ટે ચુકાદો આપતાં તેની અરજી ફગાવી છે અને નીચલી કોર્ટે ફટકારેલી ૫ વર્ષની સજા યથાવત્‌ રાખી છે. આરોપી વિસ્મય શાહે ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી. વર્ષ ૨૦૧૩માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બે યુવાનોનાં મોત થયા હતા જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટ વર્ષ ૨૦૧૫માં વિસ્મયને દોષિત જાહેર કરી ૫ વર્ષની સજા ફટકારી હતી જેને લઇને વિસમ્ય શાહએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી જેમાં વિસ્મય તરફથી કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે, તે યુવાન છે તેની કારકિર્દી ઘડવાની બાકી છે માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે લાંબાસમયથી આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દલીલો ચાલી. જેમાં વિસ્મયના તરફથી સીનિયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો. હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને પાંચ વર્ષની જેલની સજા સંભળાવાઈ હતી. ત્યારે આ ચૂકાદાને પડકારતી અરજી તેણે હાઈકોર્ટમાં કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૧૩માં વસ્ત્રાપુરમાં વિસ્મયે સર્જેલા અકસ્માતમાં બે યુવકો રાહુલ પટેલ અને શિવમ દવેનાં મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં જસ્ટિસ સોનિયા ગોકાણીએ વિસ્મયની અરજી તેમજ મૃતક રાહુલના પરિવારે વિસ્મયની સજામાં વધારો કરવા કરેલી અરજી પર સુનાવણી પૂરી કરી હતી. હાઈકોર્ટ અરજી પર ૨૧ ઓક્ટોબરે ચૂકાદો આપવાની હતી. પરંતુ તેમાં વિલંબ થયો, મહત્ત્વનું છે કે, જૂન ૨૦૧૫માં વિસ્મય શાહે બેફામ ડ્રાઈવિંગ કર્યું હોવાનું સાબિત થતાં સેશન્સ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે ૈંઁઝ્રની કલમ ૩૦૪ના ભાગ ૨ પ્રમાણે સજા સંભળાવી હતી. સજા સંભળાવ્યાના ત્રણ વર્ષ બાદ ૨૦૧૮માં રાહુલ અને શિવમના પરિવારોએ વિસ્મય શાહ સાથે સમાધાન કર્યું હતું. સમાધાનની જાણકારી કોર્ટને આપી હતી. ડિસેમ્બર ૨૦૧૮માં વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતો ઝડપાયો હતો. ત્યારે અડાલજ પોલીસે વિસ્મય અને તેની પત્ની ઉપરાંત કેટલાક મિત્રોની ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ એક ફાર્મહાઉસમાંથી ધરપકડ કરી હતી. હાઈકોર્ટે વિસ્મયને જામીન પર મુક્ત કર્યો ત્યારે ૬ મહિના સુધી દરેક વીકએન્ડ પર સમાજ સેવા કરવાનો આદેશ આપ્યો હતો. જામીનની શરત મુજબ વિસ્મયે પાલડીમાં શિશુગૃહ અને વટવા સ્થિત વૃદ્ધાશ્રમ મણિલાલ ગાંધી વનપ્રસ્થાશ્રમમાં ૬ મહિના સુધી સેવા આપી હતી. વિસ્મય શાહે હાઈકોર્ટમાં જાણકારી આપી હતી કે, તેની ૬ મહિનાની સમાજ સેવા અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બંનેમાં વખાણવામાં આવી છે.