(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૫
વલસાડ જિલ્લાના વાપી વીઆઇએ ખાતે વિશ્વ પર્યાવરણ દિન તેમજ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરાયો હતો. આ અવસરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વાપી, વીઆઇએ, વીજીઇએલ, જીઆઇડીસી તેમજ નોટિફાઇડ એરિયા ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ માટે યોજાયેલી સાઈકલ રેલીને વલસાડ કલેક્ટર સી.આર. ખરસાણે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી વાપી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી રામલીલા મેદાન ખાતે સભાના રૂપમાં ફેરવાઇ હતી. આ અવસરે કલેકટર સી.આર. ખરસાણે પ્લાસ્ટિકનો વધતો જતો ઉપયોગ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ખતરારૂપ છે, જે ધ્યાને લઇ ભાવિ પેઢીના સારા સ્વાસ્થ્ય માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ અન્યને પણ આ અંગે જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવવા કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં જ નાંખવા અપીલ કરી હતી. કલેક્ટર સી.આર. ખરસાણ તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. સુજલામ સુફલામ અભિયાન માટે વિવિધ ઔદ્યોગિક એકમોએ આપેલી સહાયના ચેકો વીઆઇએના પ્રમુખ દ્વારા કલેક્ટરને અર્પણ કર્યા હતા. સુજલામ સુફલામ યોજનામાં સહયોગી ઔદ્યોગિક એકમોના સંચાલકોને કલેક્ટર સહિત મહાનુભાવનોના હસ્તે વૃક્ષના છોડ આપી સન્માનિત કરાયા હતા. આ અવસરે પર્યાવરણ જાગૃતિ માટે કાપડની થેલીઓનું પણ વિતરણ કરાયું હતું. ત્રણ માસ દરમિયાન ચાલનારી આ ઝુંબેશના ભાગરૂપે મોબાઇલ એપનું પણ લોન્ચિંગ કરાયું હતું. વીઆઇએ વાપીના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી હતી. હેમાંગભાઇએ આભારવિધિ આટોપી હતી. આ અવસરે ગુજરાત પોલ્યુશન બોર્ડ, વીઆઇએ, વીજીઇએલ, નોટિફાઇડ એરિયા ઓથોરિટી વિભાગના અધિકારી કર્મચારીઓ, પર્યાવરણપ્રેમીઓ, નગરજનો વગેરે હાજર રહ્યા હતા.