મોસ્કો,તા.૬
ભારતના અંકુર મિત્તલે આઈએસએસએફ વિશ્વ શોટગન ચેમ્પિયનશીપની પુરૂષ ડબલ ટ્રેપ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો છે. જુનિયર વર્ગમાં ૧૭ વર્ષનો સહવર રિઝવી પણ આ સ્પર્ધામાં રજતચંદ્રક જીતવામાં સફળ રહ્યો છે. પુરૂષ વર્ગમાં મિત્તલે ૬૬ પોઈન્ટ મેળવ્યા. તેણે અંતિમ ચાર શોટ સુધી લીડ બનાવી રાખી હતી પણ ત્યારબાદ રશિયાનો વિતાલી ફોકીબ આગળ નીકળી ગયો અને અંતે ૬૮ પોઈન્ટ સાથે સુવર્ણચંદ્રક જીતવામાં સફળ રહ્યો. મિત્તલ ક્વોલીફાયરમાં ૧૪પ પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહ્યો હતો. સંગ્રામ દહિયાએ ક્વોલીફાઈંગ રાઉન્ડમાં ૧૩પ પોઈન્ટ સાથે ર૦મું જ્યારે મોહમ્મદ અસબે ૧૩૩ પોઈનટ સાથે ર૩મું સ્થાન પ્રાપ્ત કર્યું. આ ત્રણેય ટીમ વર્ગમાં ૪૧૩ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને રહ્યા. ઈટાલીએ ૪૧૮ પોઈન્ટ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. જુનિયર પુરૂષ ડબલ ટ્રેપ સ્પર્ધામાં રિઝવીએ શૂટ ઓફની લય જાળવી રાખતાં ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે અંતિમ બે શોટ સુધી જાળવી રાખી હતી પણ બાદમાં બ્રિટનના જેમ્સ ડેડમાનથી પાછળ પડી ગયો. રિઝવીએ ૮૦ લક્ષ્યાંકમાં ૬૬ પોઈન્ટ મેળવ્યા. જેમ્સે ૬૭ પોઈન્ટ મેળવ્યા.