(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગેહલોતે પત્રકાર પરિષદનું યોજી નરેન્દ્ર મોદી સરકાર પર હુમલા કરતા કહ્યું કે, મોદી સરકારના ૪ વર્ષ પ્રજા સાથે વિશ્વાસઘાત જેવા છે. કેન્દ્ર સરકારના ૪ વર્ષ સમાપ્ત થવાના અવસરે ૨૬ મેના રોજ સમગ્ર દેશની રાજધાનીઓમાં પ્રદેશ અધ્યક્ષ અને સ્થાનિક નેતાઓના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે. કોંગ્રેસ દરેક જિલ્લામાં પણ પ્રદર્શન કરશે. અશોક ગેહલોતે કહ્યું કે, કોંગ્રેસે કયારેય વર્ષગાંઠ ઉજવી નથી પરંતુ કેન્દ્ર સરકાર મોટી-મોટી પર પૈસા વેડફી રહી છે. દેશના લોકોમાં ભય, અવિશ્વાસ, હિંસાનો માહોલ છે. એક તરફ રાહુલ ગાંધી અહિંસા, પ્રેમની રાજનીતિની વાતો કરી રહ્યા છે. બીજી તરફ આરએસએસની વિચારધારા તેનાથી સંપૂર્ણ વિરૂદ્ધ છે. ગેહલોતે કહ્યું કે, આ સરકારથી કોઈ પણ વર્ગ ખૂશ નથી. ખેડૂતો, યુવાનો, વેપારીઓ સૌની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો. મોંઘવારી વધી રહી છે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત ઘટી રહી છે. ભાજપની કહેણી અને કરણીમાં તફાવત છે. દલિતો સુરક્ષિત નથી બાળકીઓ સાથે બળાત્કાર થઈ રહ્યો છે. લવજિહાદ ઘરવાપસીના વાતાવરણના કારણે કાયદો વ્યવસ્થાની હાલત ખરાબ છે. મોદી સરકારના ૪ વર્ષ પૂરા થતાં ર૬ મેના રોજ કોંગ્રેસ દેશવ્યાપી પ્રદર્શન કરી જનતાના મુદ્દાઓ આગળ લાવશે. આવનારી ચૂંટણીઓમાં મોદી સરકારથી છૂટકારો મેળવવા તમામ પક્ષો એક જૂથ થઈને પ્રયાસો કરશે તેવી આશા સાથે આ પરિષદમાં ‘વિશ્વાસઘાત’ નામે એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું હતું.