(સંવાદદાતા દ્વારા) વિસનગર, તા.૧૦
પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સહિતના મુદ્દાઓ ઉપર કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનને વિસનગર ખાતે મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. સોમવારે સવારે બજારો ખુલતાની સાથે જ નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, શહેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો બજારો બંધ કરાવવા માટે નિકળ્યા હતા. ત્રણ દરવાજા ટાવરથી દુકાનો બંધ કરાવવા નિકળેલા કોંગ્રેસના નેતાઓ રેલ્વે સર્કલ પાસે આવતાં જ પોલીસે ૧૬ કોંગ્રેસીઓની અટકાયત કરી શહેર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. બંધ દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસનગરમાં એસઆરપી સહિત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિસનગર ડેપો દ્વારા બપોરે ૧૨ વાગ્યાથી સાંજના ત્રણ વાગ્યા સુધી તમામ રૂટની બસો બંધ કરી દેવામાં આવી હતી. ડીવાયએસપી વાઘેલા અને પીઆઈ વી.પી. પટેલ સ્ટાફ સાથે સતત મોનિટરીંગ કરતા રહ્યા હતા. દિવસભર શહેરમાં બજારો ખુલ્યાં રહ્યાં હતાં અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો હતો.