(સંવાદદાતા દ્વારા) મહેસાણા. તા,૨૬
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિસનગર ખાતે પાટીદાર સમાજની રેલી કાઢવામાં આવી હતી.આ રેલી હિંસક બનતાં સ્થાનિક ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ સહિત આગચંપીના બનાવો બન્યા હતા.આ કેસમાં આરોપી એવા પાસના કન્વીનર હાર્દિક પટેલ, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૭ સામે મંગળવારે કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું.જેમાં આજે હાર્દિક સહિત ૬ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા અને વોરંટ રદ કરવા અરજી કરતાં કોર્ટે રૂ.૫,૦૦૦ના બોન્ડ ઉપર છુટકારો કર્યો હતો. વર્ષ ૨૦૧૫માં વિસનગર ખાતે પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે હાર્દિક પટેલ અને લાલજી પટેલની આગેવાની હેઠળ પાટીદાર સમાજની રેલી કાઢવામાં આવેલી રેલી દરમ્યાન હિંસક ઘટનાઓ સર્જાઈ હતી.જેમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ સહિતના બનાવો બન્યા હતા.આ કેસ હાલ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.જો કે,સતત ત્રણ મુદતોમાં હાજર ન રહેતા મંગળવારે કોર્ટે હાર્દિક અને લાલજી સહિત ૭ આરોપીઓ સામે બિન જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું.જેથી આજે સવારે વિસનગર કોર્ટમાં હાર્દિક પટેલ સહિત છ આરોપીઓ હાજર થયા હતા અને તેમણે ધરપકડ વોરંટ રદ કરવા અરજી કરી હતી.જેમાં હાર્દિક પટેલે કોર્ટ સમક્ષ પોતાની વ્યસ્તતાને કારણે કોર્ટમાં હાજર રહી શક્યો નથી તેવું કારણ દર્શાવી આ કેસમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.