વિસનગર, તા.૨૭
રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સોમવારે પ્રાંત કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી હતી. કોંગ્રેસ-ભાજપ સહિત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. રવિવારે મોડી રાત્રે વિસનગર વિધાનસભા બેઠક માટેના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામનું સસ્પેન્સ ખુલી ગયું હતું. ભાજપ દ્વારા ઋષિકેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે તો કોેંગ્રેસ દ્વારા પાટીદાર અનામત આંદોલન કન્વીનર હાર્દિક પટેલના ખાસ માનવામાં આવતા મહેન્દ્ર પટેલને મેન્ડેડ આપવામાં આવ્યો છે. આજે સવારે કોંગ્રેસના મહેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર યુવાનો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. મહેન્દ્ર પટેલ દ્વારા શહેરમાં ભવ્ય રોડ શો કર્યા બાદ ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું હતું તો સામે માજી મંત્રી અને કોંગ્રેસ પક્ષે દાવેદારી કરનારા કિરીટ પટેલનું નામ કપાતાં કિરીટ પટેલ સહિત ટેકેદારો દ્વારા શહેરના કાંસા ચાર રસ્તા પાસે આવેલા સરદાર પટેલ પ્રતિમા પાસે ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા જ્યાં હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસના નેતાઓ સામે રોષ વ્યક્ત કરતાં કિરીટ પટેલ દ્વારા કોંગ્રેસ સાથે નારાજગી વ્યક્ત કરતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર ગણાતા વિસનગર ખાતે પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલા ઋષિકેશ પટેલ દ્વારા પણ ટેકેદારો સાથે પ્રાંત કચેરી ખાતે વિધિવત ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષો સહિત અપક્ષો મળી કુલ રપથી વધારે ઉમેદવારી પત્રકો ભરાયા છે. ખાસ કરીને અપક્ષ ઉમેદવારોની સંખ્યા નોંધપાત્ર છે. કોંગ્રેસના કિરીટ પટેલને મેન્ડેડ મળવાની આશાઓ પર પાણી ફરી વળતા કોંગ્રેસમાં આંતરિક વિવાદ સર્જાયો છે.