પાલનપુર, તા.ર૯
થરાદ પંથકમાં રવિવારે સાંજના સમયે ચાલુ થયેલ વરસાદ સોમવારે સવારે ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૭૧ મીમી જેટલો વરસાદ ખાબકતા કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. જ્યારે થરાદના નાગલા, ડોડગામ અને ખાનપુરને ફરીથી ૨૦૧૫ અને ૨૦૧૭ની યાદ તાજી કરાવી દીધી હતી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોએ પોતાના ઘર ખાલી કરવાનો વારો આવ્યો હતો. તેમજ ડોડગામના રેલ વિસ્તારમાં કેટલાક પરિવારોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ઘર ખાલી કરવાનો વારો આવ્યો હતો. ભાચર ગામે રસ્તાઓમાં ખાડા પડી જતાં અને પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને સ્કૂલ જવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. થરાદ શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાયા હતા. અતિભારે ખાબકેલા વરસાદને લઇને લોકોને પૂરની યાદ તાજી કરાઇ હતી. લાંબા સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.