(એજન્સી) તા.૧૩
સીરિયાના ઉત્તર પૂર્વ શહેર હાસાકેહમાં ગુરુવારે વિસ્થાપિત સીરિયાના લોકોને નિશાને લઈને કરાયેલા એક કાર બોમ્બ હુમલામાં કુર્દિશ સુરક્ષાદળોના જવાનો સહિત ઓછામાં ઓછા ૧૮ લોકોનાં મોત થયા છે. બ્રિટન આધારિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્‌સે જણાવ્યું કે આ હુમલો IS દ્વારા એક એવા ક્ષેત્રમાં કરાયો જ્યાં દાયર અલ ઝોર શહેરથી વિસ્થાપિત બનેલા સીરિયન નાગરિકો એકઠા થયા છે. આ હુમલામાં કુર્દિશ સુરક્ષાદળોના જવાનો સહિત ઓછામાં ઓછા ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. તમને જણાવી દઈએ કે સીરિયાના યુદ્ધમાં સપ્ટેમ્બરમાં ઓછામાં ઓછા ૯પપ નાગરિકો સહિત ત્રણ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. સીરિયન ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સર્જાયેલા સંઘર્ષોમાં સૌથી ઘાતક મહિનો સપ્ટેમ્બર છે. સરકારો વિરોધી દેખાવોને દબાવવા માટે ર૦૧૧માં શરૂ થયેલ અથડામણ દરમિયાન હજારો સીરિયાના નાગરિકો મોતને ભેટી ગયા જ્યારે લાખો લોકો વિસ્થાપિત બની ગયા હતા. શરૂઆત બાદ સંઘર્ષ વધતો ગયો અને તેમાં મહાસત્તાઓ પણ સપડાઇ. રશિયા જ્યાં સેનાને સમર્થન આપે છે ત્યાં અમેરિકા ગઠબંધનની મદદ કરે છે. જે અલગથી દેશમાં જેહાદી સમૂહ IS વિરુદ્ધ મોર્ચો ખોલી બેઠાં છે. બ્રિટન આધારિત ઓબ્ઝર્વેટરીએ કહ્યું કે સપ્ટેમ્બરમાં ર૦૭ બાળકો સહિત ૯પપ મોત થયા હતા.