(એજન્સી) તા.૧૪
આ વર્ષે જાન્યુઆરીમાં સિટીઝનશીપ (અમેન્ડમેન્ટ) બિલના મુદ્દેે ભાજપ સાથે છેડો ફાડનાર આસામ ગણ પરિષદ એ.જી.પી.એ લોકસભા ચૂંટણી માટે ફરી ભાજપ સાથે ગઠબંધન કરી લીધું છે. મંગળવારની રાત્રે ભાજપના મહાસચિવ રામ માધવે જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં એ.જી.પી અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બી.પી.એફ.) સાથે ગઠબંધન કર્યું છે. આ જાહેરાતની સાથે જ આસામના લોકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગઠબંધન વિરૂદ્ધ નારાજગી વ્યકત કરી હતી. તેમનું કહેવું હતું કે, એ.જી.પી. અને તેના નેતાઓ અતુલ બોશ તેમજ કેશવ મહેતાએ આસામના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. શિવસાગર જિલ્લામાં ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન સાથે સંકળાયેલા દેબારૂન્દીપ દત્તાએ કહ્યું હતું કે, “અમને આશા હતી કે એ.જી.પી. ગઠબંધન તોડી પ્રાદેશિક સમિતિઓને મજબૂત બનાવશે પરંતુ તેમણે આસામના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. તેઓ જાણે છે કે તે એકલા હાથે ચૂંટણી લડવા સક્ષમ નથી. આથી તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.” ઉલ્લેખનીય છે કે, ર૦૧૪ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડનાર એ.જી.પી.ને એકપણ બેઠક મળી ન હતી પરંતુ ર૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યા પછી તેણે ૧૪ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપને ૬૭ અને અન્ય સહયોગી પક્ષ બી.પી.એફ.ને ૧ર બેઠકો મળી હતી.