(એજન્સી) બેંગલુરૂ, તા. ૨૫
કર્ણાટક વિધાનસભામાંથી વિપક્ષ ભાજપના સભ્યો નાટ્યાત્મક રીતે વોકઆઉટ કરી ગયા બાદ જનતાદળ (એસ) અને કોંગ્રેસના ગઠબંધને ગૃહમાં વિશ્વાસનો મત મેળવ્યો હતો. વિશ્વાસના મત દરમિયાન ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ લાગણીસભર પ્રવચન આપીને રાજ્યના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીને ભૂતકાળમાં ભાજપ સાથે તેમના જોડાણની યાદ અપાવી હતી. યેદિયુરપ્પાએ વિધાનસભામાંથી વોકઆઉટ કરતા પહેલા કુમારસ્વામીને પડકાર ફેંક્યો હતો કે તમારી પાસે નંબર્સ છે… જોઇએ મુખ્યપ્રધાનપદે કેટલું લાંબુ તમે ટકો છો. ગત શનિવારે કર્ણાટક વિધાનસભામાં ૧૧૨ના જાદૂઇઆંક સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડ્‌યા હોવાનું સ્વીકારીને ગૃહમાં ફ્લોર ટેસ્ટ પહેલા યેદિયુરપ્પાએ રાજ્યના મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કુમારસ્વામીના સમર્થનમાં ૧૧૭ ધારાસભ્યોેએ મત આપ્યા હતા. વિશ્વાસનો મત રજૂ કરતા કુમાર સ્વામીએ જણાવ્યું કે બહુ સમજી-વિચારીને ગઠબંધન સરકાર બનાવી છે. તેમની પાર્ટીનું ભવિષ્ય પણ ગઠબંધન પર જ ટકેલું છે. વિશ્વાસના મત પહેલા વિધાનસભાના સ્પીકરપદ માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. ભાજપના સ્પીકરપદ માટે એસ.સુરેશકુમારે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આવી સ્થિતિમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સ્પીકર કેઆર રમેશકુમારને સ્પીકર પસંદ કરી લેવામાં આવ્યા.
૧૦ મહત્વના મુદ્દા
૧. યેદિયુરપ્પાએ લાગણીસભર પ્રવચનમાં કુમારસ્વામીને ભૂતકાળમાં તેમના ભાજપ સાથેના જોડાણ અને તેમના દગાની યાદ અપાવી હતી. ૨૦૦૬માં ભાજપને મુખ્યપ્રધાનપદ સોંપવાનો કુમારસ્વામીએ અને મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો.
૨. યેદિયુરપ્પાએ કોંગ્રેસના ડીકે શિવકુમારે ખલનાયકની ભૂમિકા ભજવી હોવાથી કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોનું સમર્થન મેળવવાના તેમના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હોવાનો સ્વીકાર કરતા ગૃહને હસાવ્યું હતું.
૩. વિધાનસભામાંથી વોકઆઉટ કરતા પહેલા ૫૫ કલાક માટે કર્ણાટકના મુખ્યપ્રધાન બનેલા યેદિયુરપ્પાએ સોમવાર સુધીમાં ખેડૂતોની લોન માફ કરવામાં નહીં આવે તો અરાજકતા સર્જાવાની નવી સરકારને ચેતવણી આપી છે.
૪. વિશ્વાસના મત પહેલા યેદિયુરપ્પાના ટોણાનો જવાબ આપતા કુમારસ્વામીએ જણાવ્યું કે હું સત્તા અને હોદ્દા માટે અહીં નથી. ૫૮ વર્ષના જેડીએસના નેતાએ બુધવારે મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા અને શુક્રવારે તેમણે મૌખિક મતદાનથી વિશ્વાસનો મત મેળવ્યો છે. ગૃહમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનના ૧૧૭ ધારાસભ્યોનું તેમને સમર્થન છે.
૫. ફ્લોર ટેસ્ટ પહેલા ગૃહના સ્પીકરપદ માટે ભાજપે તેના ઉમેદવારની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ કોંગ્રેસના રમેશ કુમાર સ્પીકર તરીકે સર્વસંમતિથી ચૂંટાઇ આવ્યા હતા.
૬. ભાજપના સ્પીકરપદના ઉમેદવાર સુરેશ કુમારની ઉમેદવારી પાછી ખેંચીને યેદિયુરપ્પાએ જણાવ્યું કે સ્પીકરના હોદ્દાની ગરિમા જાળવવા માટે અમે સર્વસંમતિથી સ્પીકરપદની ચૂંટણી ઇચ્છતા હતા.
૭. અગાઉ, કોંગ્રેસના નેતા અને કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન જી.પરમેશ્વરની જેડીએસ સાથે સત્તા વહેંચણીની ફોર્મ્યુલા અંગેની ટિપ્પણીથી ગૃહમાં દ્વિધાનીે સ્થિતિ સર્જાઇ હતી. તેમણે કહ્યું હતું કે ગઠબંધને કુમારસ્વામીને પુરા પાંચ વર્ષ સુધી મુખ્યપ્રધાનપદે ચાલુ રાખવા વિશેની શરતો અંગે ચર્ચા કરવાનું હજી બાકી છે.
૮. જો કે, કુમારસ્વામીએ સપ્તાહના અંતે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે વારાફરતી મુખ્યપ્રધાન બનવાની કોઇ વ્યવસ્થા નથી. એટલે કે કુમાર સ્વામી સંપૂર્ણ કાર્યકાળ માટે મુખ્યપ્રધાન રહેશે.
૯. યેદિયુરપ્પાએ એવી આગાહી કરી છે કે કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન ત્રણ મહિના કરતા વધુ ટકશે નહીં. ભાજપને એવી આશા છે કે મુખ્યપ્રધાન જ્યારે કેબિનેટની રચના કરશે ત્યારે ધારાસભ્યોે તેમનો પક્ષ છોડી શકે છે.
૧૦. કુમારસ્વામીના શપથ સમારંભમાં સમગ્ર દેશમાંથી બિન-ભાજપ નેતાઓને આમંત્રિત કરીને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવનારા કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ યેદિયુરપ્પાના દાવાઓ ફગાવી દીધા છે. પરમેશ્વરે જણાવ્યું કે અમારા ધારાસભ્યો યથાવત છે.

રીયલ એક્શન હવે શરૂ થશે, કર્ણાટકના નાગરિકોને આપેલા વચનો પૂરા કરીશું : ફ્લોરટેસ્ટમાં વિજય બાદ કુમાર સ્વામીએ કહ્યું
(એજન્સી) બેંગલુરૂ, તા. ૨૫
કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ શુક્રવારે ભાજપના ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા બાદ વિશ્વાસનો મત જીત્યા પછી ભારપૂર્વક જણાવ્યું કે કર્ણાટકના નાગરિકોને આપેલા વચનો અમે પૂરા કરીશું. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના ધારાસભ્યો અને સરકારનું સમર્થન કરી રહેલા અન્ય ધારાસભ્યોએ કુમાર સ્વામી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરતી દરખાસ્ત મૌખિક મતદાનથી હાથ ધરી હતી. કુમાર સ્વામીએ જણાવ્યું કે રીયલ એક્શન હવે શરૂ થશે. કર્ણાટકના લોકોને મેં જે કંઇ વચનો આપ્યા છે, એ વચનો હું પુરા કરીશ.
ખેડૂતોની લોન માફીના મુદ્દા અંગે ૨૮મી મેના રોજ રાજ્યવ્યાપી બંધની યેદિયુરપ્પાની ધમકી અંગે મુખ્ય પ્રધાને જણાવ્યું કે યેદિયુરપ્પાની ધમકી પર તેઓ ધ્યાન આપવાના નથી. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે જેડીએસના નેતાએ રાષ્ટ્રીયકૃત બેંકોની લોન સહિતની ૫૩,૦૦૦ કરોડની ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું હતું.
યેદિયુરપ્પાએ ૨૩મી મે ના રોજ રાજીનામું આપ્યા બાદ ૨૪મી મે ના રોજ કુમાર સ્વામીએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.