બેંગલોર ટેસ્ટ મેચ અતિ રોમાંચક તબક્કામાં

બેંગલોર,તા. ૫

બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ મેચ ઉપર પકડ મજબૂત બનાવી હતી. આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૩૭ રન બનાવ્યા હતા. આની સાથે જ ભારત ઉપર હવે ૪૮ રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે અને તેની ચાર વિકેટ હજુ હાથમાં હોવાથી મહત્વની લીડ મેળવી લીધા બાદ જ ભારતની બીજી ઈનિંગ્સ શરૂ થાય તેવી શક્યતા છે. જોકે આજે ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનો અપેક્ષા કરતા નબળા સાબિત થયા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ૪૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઈશાંત, ઉમેશ અને અશ્વિને ૧-૧ વિકેટ ઝડપી હતી. આવતીકાલે ત્રીજા દિવસની રમત આ ટેસ્ટ મેચમાં નિર્ણાયક બની શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે બેંગ્લોરના ઐતિહાસિક એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતનો જોરદાર ધબડકો થયો હતો. ઓસ્ટ્રેલિયાના સ્પીનર લિયોનના તરખાટ સામે ભારતીય બેટ્‌સમેનોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી અને ટીમ ઇન્ડિયાના તમામ બેટ્‌સમેનો ૧૮૯ રનમાં ઓલઆઉટ થઇ ગયા હતા. ભારતના પ્રથમ દાવમાં ૧૮૯ રન ઓલઆઉટના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે પ્રથમ દિવસે કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર ૪૦ રન કર્યા હતા. ૪૦ રનના સ્કોરથી આગળ રમતા ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનો પણ લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. ખતરનાક બેટ્‌સમેન ડેવિડ વોર્નર ૩૩ રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન સ્ટીવ સ્મીથ માત્ર ૮ રન કરીને જાડેજાની બોલીંગમાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી માર્શે ૬૬ અને રેનશોએ ૬૦ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પણ બાકીના બેટ્‌સમેનો નિયમિત ગાળામાં આઉટ થતા રહ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાને પણ જંગી લીડ બીજા દિવસે મેળવી લેવામાં સફળતા હાથ લાગી ન હતી.  ઓસ્ટ્રેલિયા પહેલાથી જ શ્રેણીમાં ૧-૦ની લીડ ભારત ઉપર ધરાવે છે. ૪ ટેસ્ટ  મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ  ઓસ્ટ્રેલિયા સામે ૩૩૩ રનના જંગી અંતરથી ગુમાવી દીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાભારતીય ટીમ પર બીજા દાવમાં ટેસ્ટ મેચને બચાવવા માટે તીવ્ર દબાણ રહેશે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો વર્ષ ૧૯૩૨માં ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કર્યા બાદથી હજુ સુધી માત્ર ત્રણ વખત જ ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ શ્રેણીમાં વાપસી કરવામાં સફળ રહી છે.

વિરાટ કોહલીની ટીમને પુણેની સ્પીનરોની વિકેટ પર બેટ્‌સમેનના ખરાબ દેખાવના કારણે હારનો સામનો કરવાની ફરજ પડી હતી. ભારતે અલબત્ત બે પ્રસંગે વેસ્ટ ઇન્ડિઝની સામે વર્ષ ૧૯૮૭-૮૮માં ઇંગ્લેન્ડની સામે વર્ષ ૨૦૦૨માં ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં બન્ને શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ શ્રેણીને ૧-૧થી બરોબર કરી હતી. ભારત કુલ આઠ વખત પ્રથમ ટેસ્ટ મેચ હારી ગયા બાદ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યુ છે. આંકડા પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમે હજુ સુધી બે અથવા તો તેનાથી વધારે ટેસ્ટ મેચોની શ્રેણીના પ્રથમ ટેસ્ટ મેચ તરીકે રમાયેલી ૧૪૦ ટેસ્ટ મેચ પૈકી ૩૮માં જીત નોંધાવી છે. જ્યારે બાવનમાં તેની હાર થઇ છે. એક ટેસ્ટ મેચ ટાઇ રહી છે. બાકી ૪૯ ટેસ્ટ મેચ પરિણામવગર પૂર્ણ રહી છે. શ્રેણીની બીજી ટેસ્ટમાં તેનો દેખાવ સારો રહ્યો છે. અહીં ૧૪૦ ટેસ્ટમાં ૪૨માં જીત મેળવી છે. જ્યારે ૩૮માં તેની હાર થઇ છે. ૬૦ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આવતીકાલે ત્રીજા દિવસે ભારતના આધારભૂત બેટ્‌સમેન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, રહાણે અને કરૂણ નાયરને મેદાન પર ઉભા રહેવાના ઈરાદા સાથે બેટીંગ કરવી પડશે.ં

ભારત પ્રથમ દાવ : ૧૮૯

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :

વોર્નર બો.અશ્વિન          ૩૩

રેનશો સ્ટ.સહા બો.જાડેજા         ૬૦

સ્મીથ કો.સહા બો.જાડેજા          ૦૮

માર્શ કો.નાયર બો.યાદવ          ૬૬

હેન્ડકોમ્બકો.અશ્વિન

બો.જાડેજા        ૧૬

માર્શ એલબી બો.ઈશાંત            ૦૦

વાડે અણનમ    ૨૫

સ્ટાર્ક અણનમ   ૧૪

વધારાના         ૧૫

(૧૦૬ ઓવરમાં ૬ વિકેટે)૨૩૭

પતન : ૧-૫૨, ૨-૮૨, ૩-૧૩૪, ૪-૧૬૦, ૫-૧૬૩, ૬-૨૨૦.

બોલિંગ : ઇશાંત : ૨૩-૬-૩૯-૧, ઉમેશ : ૨૪-૭-૫૭-૧, અશ્વિન : ૪૧-૧૦-૭૫-૧, જાડેજા : ૧૭-૧-૪૯-૩, નાયર : ૧-૦-૭-૦.