અમદાવાદ,તા.૩૦
પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમના પાર્થિવદેહને દર્શન માટે મંગળવારે જામકંડોરણા ખાતે આવેલા કન્યા છાત્રાયલ ખાતે દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. મંગળવારે વહેલી સવારથી રાદડિયાના અંતિમ દર્શન માટે લાંબી લાંબી કતારો લાગી હતી. મુખ્ય મંત્રી રૂપાણી, ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી સહીતના નેતાઓ રાદડિયાની અંતિમક્રિયામાં ભાગ લેવા માટે જામકંડોરણા આવી પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઠ્ઠલભાઈ અમર રહો, છોટે સરદાર વિઠ્ઠલ ભાઈ, અમારા નેતા વિઠ્ઠલ ભાઈ, ગરીબોના નેતા વિઠ્ઠલભાઈના નારા સાથે રાદડિયાની અંતિમ યાત્રા નીકળી હતી. આશરે હજારો લોકો રાદડિયાની અંતિમ યાત્રામાં નીકળ્યા હતા. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપતા જ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. આ તકે જયેશભાઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું, “ વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના ખેડૂતોના અજય નેતા હતા. તેમણે ખૂબ સંઘર્ષ પણ કર્યો હતો. તેમના જવાથી સૌરાષ્ટ્રને ન પુરાય તેવી ખોટ પડી છે. તેમની કરેલી કામગીરીના કારણે આજે ગરીબોની અંદર એજ લાગણી છે કે અમારા બેલી હવે રહ્યાં નથી. ભાજપે મોટા ગજાના નેતા ગુમાવ્યા છે. ગુજરાતના રાજકારણમાં જમીન સાથે જોડાયેલા નેતાઓમાના એક વિઠ્ઠલ ભાઈ હતા. તેમના જવાથી જાહેર જીવન પણ રંક બન્યું છે.” ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું, “સૌરાષ્ટ્રના ખેડૂતોના હામી , ખેડૂતોને હંમેશા મદદ થનાર અને સુરક્ષા કરનાર, પ્રગતિ માટે કાયમ કામ કરનાર એવા વિઠ્ઠલ રાદડિયાનું દુઃખદ અવસાન થયું છે. આજે હજારો વ્યક્તિઓ આગેવાનો સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાંથી લાખો લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યાં છે તે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. સહકારી ક્ષેત્રે ઓછા વ્યાજે અને વગર વ્યાજે ખેડૂતોને લોન આપવાની શરૂઆત વિઠ્ઠલ રાદડિયાએ કરી હતી. તેઓ ખેડૂતો માટે ખડેપગે અને સાથે રહેતા હતા.” કુંવરજી બાવળિયા, લલિત વસોયા, આર.સી. ફળદુ, અર્જુન મોઢવાડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાઘવજીભાઇ પટેલ, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ સહિતના નેતાઓએ પાર્થિવ દેહના દર્શન કરી રાદડિયા પરિવારને સાંત્વના પાઠવી હતી.