(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૯
સૌરાષ્ટ્ર-પોરબંદર વિસ્તારના અગ્રણી નેતા અને ખેડૂત-સહકારી આગેવાન એવા પૂર્વમંત્રી વિઠ્ઠલ રાદડિયાનું ૬૧ વર્ષની વયે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર સામાજિક કાર્યકર તરીકે સેવા આપનાર રાદડિયા ૬ વખત ધારાસભ્ય અને ૧૦ વર્ષ સુધી સાંસદ રહી ચૂકયા હતા. તેમની અંતિમયાત્રા તા.૩૦ જુલાઈએ એક વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. તેમના નિધન અંગે વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટિ્‌વટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઘણાં લાંબા સમયથી બિમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન ૩૦ જુલાઈના રોજ સવારના ૭ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી જામકંડોરણાની કન્યા છાત્રાલય ખાતે કરી શકાશે. તેમની રાજકીય સફર જોઈએ તો ૧૯૮૭માં તેઓ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. તે બાદ તેઓ ૧૯૯૦માં ધોરાજી- જામકંડોરણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૧૯૫માં રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન બન્યા. ૧૯૯૬માં ખાણ ખનિજ પ્રધાન અને ૧૯૯૭માં કેબિનેટ પ્રધાન બન્યા હતા. ૨૦૦૦માં તેઓ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા. ૨૦૦૯માં તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ પોતાની રાજકીય સફરમાં પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ બન્યા હતા. વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતા રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોની કોઈ પણ સમસ્યા હોઈ વિઠ્ઠલભાઈ ખડેપગે ઊભા રહેતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર કલ્પેશ ઉર્ફે કલ્પેશનું અગાઉ ર૦૧૪ આકસ્મિક અવસાન થયું હતું. જે બાદમાં રાદડિયા પરિવારને સતત તેમની પુત્રવધૂની ચિંતા કોરી ખાતી હતી. આ જ કારણે પરિવારે પુત્રવધૂના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. જે બાદમાં પરિવારે પુત્રવધૂ મનીષાની મંજૂરી લઈ તેના લગ્ન સુરત ખાતે રહેતા હાર્દિક અમૃત ચોવટિયા સાથે કરાવી આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાએ પુત્રવધૂ મનિષાનું કન્યાદાન કરી તેણીને રૂા.૧૦૦ કરોડની સંપત્તિ આપી હતી.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રાદડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ સાંસદ અને પૂર્વમંત્રી વિઠ્ઠલ રાદડિયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિજય રૂપાણીને અવસાનના સમાચાર મળતા જ તેમણે તેમના પુત્ર અને સરકારના મંત્રી જયેશ રાદડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી હતી અને આ વિપદા વેળાએ સધિયારો આપ્યો હતો. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને શોકાંજલિ અર્પતો સંદેશ પણ પાઠવ્યો હતો. આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી.