માન્ચેસ્ટર, તા.૮
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું કહેવું છે કે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સામનો કહવો હવે લગભગ અશક્ય થઈ ગયો છે. બુમરાહે ભારત માટે અત્યાર સુધી સૌથી વધુ ૧૭ વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી રેટ (૪.૪૮) ૨૦ કે તેથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં સૌથી સારો રહ્યો છે અને ૮ મેચોમાંથી લગભગ દરેક મેચમાં તેણે પોતાની બોલિંગની છાપ છોડી છે.
બુમરાહ અને ન્યૂઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક છે, જેના નામે ૨૬ વિકેટ છે. ત્યારબાદ બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહમાન છે, જેણે ૨૦ વિકેટ ઝડપી છે. પરંતુ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. વિટોરીએ કહ્યું, ‘જસપ્રીત બુમરાહને હાલમાં રમવો ઘણો મુશ્કેલ થઈ ગયો છે. તેવામાં જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતની સાથે સેમિફાઇનલ રમવાની છે, તો તેણે સૌથી વધુ ખતરો બુમરાહનો છે. બુમરાહનો સામનો આક્રમક રીતે કરવો પડશે, બાકી તે તક મળતા ટીમ પર હાવી થઈ જશે.’