(એજન્સી) લખનઉ, તા. ૮
ઉત્તર પ્રદેશના પ્રધાન મુકુટ બિહારી વર્માએ રામ મંદિર અંગે કરેલી ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. વર્માએ શનિવારે જણાવ્યું કે સુપ્રીમકોર્ટ આપણી હોવાથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તેમણે એવું કહ્યું કે સુપ્રીમકોર્ટ આપણી છે, સરકાર આપણી છે અને દેશ પણ આપણો છે. વર્માની ટિપ્પણીઓ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અનિલ સિંહે જણાવ્યું કે સુપ્રીમકોર્ટ સ્વતંત્ર છે. આપણે કહી શકીએ નહીં કે સુપ્રીમકોર્ટ કોઇના પ્રભાવ હેઠળ કામ કરે છે. રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં છે. સુપ્રીમકોર્ટ કોઇ સંગઠન કે રાજકીય પક્ષની નથી. જોકે, કોંગ્રેસના નેતા સંજય ઝા એ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા બદલ ઉત્તર પ્રદેશના પ્રધાનની આકરી ટીકા કરી છે. આ નિવેદનો વખોડવાપાત્ર છે. તેમણે એવું પણ કહ્યું કે ભાજપના નેતાનું એમ કહેવું કે સુપ્રીમકોર્ટ તેમની છે, એ ખરેખર ન્યાયતંત્રનું અપમાન છે અને સર્વોચ્ચ સ્તરે ન્યાયતંત્રની સ્વતંત્રતા સામે પ્રશ્ન ઉભો કરે છે. ઝા એ જણાવ્યું કે આવા ખતરનાક પ્રચારથી ઘણા સામાન્ય લોકોના માનસ પર કેવા પ્રકારની હાનિ થઇ છે, શું તમે તેની કલ્પના કરી શકો છો ? તેમણે એવી આશા વ્યક્ત કરી કે સુપ્રીમકોર્ટ વર્મા સામે અત્યંત કડક કાર્યવાહી કરશે. ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે જણાવ્યું હતું કે તેમને આશા છે કે જો જરૂર જણાશે તો સંસદના બંને ગૃહોમાં પુરતી સભ્ય સંખ્યા હશે ત્યારે અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે રામ મંદિરનું નિર્માણ કરવા માટે કેન્દ્ર વૈધાનિક માર્ગ અપનાવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે હાલમાં સંસદમાં અમારી પુરતી સંખ્યા નથી. જો લોકસભામાં અમે આ મુદ્દો હાથ ધરીશું તો રાજ્યસભામાં અમારા ઓછા સભ્યો હોવાથી ચોક્કસપણે પરાજય થશે. દરેક રામભક્ત આ બાબત જાણે છે. ટૂંક સમયમાં કોર્ટ ચુકાદો આપવાની છે.